સેન્ટ્રલ રેલવેએ ઘાટ વિસ્તારમાં સેફ્ટી-નેટ બાંધી, પણ...

15 June, 2024 08:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોમાસામાં મહાબળેશ્વરના ઘાટમાં પથ્થરો ધસી પડવાનું જોખમ તો છે જ

મહાબળેશ્વર જવાના રસ્તામાં વરસાદને લીધે ઘાટ પરથી ગુરુવારે પથ્થર ધસી ગયા હતા.

ચોમાસું શરૂ થવામાં છે ત્યારે ઘાટ વિસ્તારમાં જમીન કે પથ્થર ટ્રૅક પર ધસી ન આવે એ માટે સેન્ટ્રલ રેલવેએ સેફ્ટી-નેટ બાંધી હોવાનો દાવો કર્યો છે, પણ મુંબઈકરોના સૌથી ફેવરિટ હિલસ્ટેશન મહાબળેશ્વરના ઘાટ વિસ્તારના રસ્તાઓમાં ઉપરના ભાગમાંથી પથ્થર ધસી જવાનું જોખમ કાયમ છે. ગુરુવારે સવારે થોડા વરસાદમાં જ મોટા-મોટા પથ્થર અચાનક રસ્તા પર ધસી આવતાં પોલાદપુર-મહાબળેશ્વરનો એક સાઇડનો રસ્તો બંધ થઈ ગયો હતો. સાતારા અને રાયગડ જિલ્લાને જોડતા મહાબળેશ્વર ઘાટનો આ એકમાત્ર રસ્તો છે. અહીં દર વર્ષે ઘાટમાંથી પથ્થર ધસી આવવાથી વાહનવ્યહાર બંધ થઈ જાય છે. ગયા વર્ષે સહ્યાદ્રિના પહાડોમાં ભારે વરસાદ થવાથી મહાબળેશ્વર-મહાડના રસ્તા પર મોટા પ્રમાણમાં માટી અને પથ્થરો ધસી જતાં આ માર્ગ બંધ થઈ ગયો હતો. એને કારણે ચોમાસામાં મહાબળેશ્વરની મજા માણવા ગયેલા મુંબઈકરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ ઘટના બાદ લાગતું હતું કે રેલવેની જેમ મહાબળેશ્વરના ઘાટમાં સેફ્ટી નેટ બાંધીને પથ્થરો રસ્તા પર ધસી ન આવે એ માટેના પ્રયાસ કરવામાં આવશે. જોકે આવા કોઈ પ્રયત્ન નથી કરાયા એટલે આ ચોમાસામાં પણ મહાબળેશ્વરના રસ્તા જોખમી બની શકે છે.  

mumbai mumbai news mumbai monsoon monsoon mahabaleshwar central railway