28 August, 2024 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બદલાપુર સેક્સ્યુઅલ અસૉલ્ટના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટમાં નોંધાયેલી અરજીની ગઈ કાલે થયેલી સુનાવણીમાં કોર્ટે કહ્યું છે કે ‘હજી પણ સમાજ પુરુષપ્રધાન જ છે. આપણે આપણા છોકરાઓને ઘરમાં નાનપણથી જ સમાનતાના પાઠ શીખવવા પડશે અને તેમના માઇન્ડસેટને બદલવું પડશે, તેમને મહિલાઓને માન આપતાં શીખવવું પડશે. જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી નિર્ભયા કેસના જજમેન્ટ અને એના જેવા બીજા કાયદાઓથી કંઈ નહીં વળે.’
કોર્ટે અરજીની હવે પછીની સુનાવણી ત્રીજી સપ્ટેમ્બરે રાખી છે.
બૉમ્બે હાઈ કોર્ટનાં જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને પૃથ્વીરાજ ચવાણની બેન્ચે એ અરજીની સુનાવણી કરી એમાં સુઓ મોટો લઈને કહ્યું હતું કે આપણા સમાજ પર હજી પણ પુરુષોનું વર્ચસ છે અને તેઓ પોતાને મહિલાઓ કરતાં બહેતર માને છે એટલે આ માઇન્ડસેટ બદલવા આપણા ઘરમાં છોકરાઓને નાનપણથી સ્ત્રી–પુરુષ સમાનતાની સમજ આપવી પડશે અને શું સાચું અને શું ખોટું એ જણાવવું પડશે.
કોર્ટે બદલાપુર જેવી ઘટના ફરી ન બને એ માટે એક કમિટી બનાવવાનું સૂચન કર્યું છે જે આ બાબતનો અભ્યાસ કરી સ્કૂલમાં એનો અમલ થઈ શકે એવા રૂલ્સ અને ગાઇડલાઇન્સ બનાવે.
કોર્ટે વધુમાં કહ્યું હતું કે ‘એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે આ સંદર્ભે પ્રી-પ્રાઇમરી લેવલથી જ બાળકોને જેન્ડર ઇક્વલિટી અને એ બાબતની સંવેદના સમજાવવી જોઈએ. સમાજમાં હજી પણ પુરુષપ્રધાન માનસિકતા છે. જ્યાં સુધી આપણે આપણાં બાળકોને ઘરમાંથી જ સમાનતા બાબતે નહીં શીખવીએ ત્યાં સુધી કંઈ જ વળવાનું નથી. ત્યાં સુધી નિર્ભયા જેવા ગમે એટલા કાયદાઓ બનાવો કશો અર્થ નહીં સરે. આપણે હંમેશાં છોકરીઓ વિશે વાત કરીએ છીએ, પણ છોકરાઓને કેમ નથી કહેતા કે શું સાચું છે અને શું ખોટું છે? આપણે છોકરાઓ નાના હોય ત્યારથી જ માઇન્ડસેટ બદલવાની જરૂર છે. તેમને મહિલાઓનો આદર કરતાં શીખવવું જોઈએ. આ માટે જાગૃતિ આવે એ જરૂરી છે.’
કોર્ટે બાળકો દ્વારા કરાતા સોશ્યલ મીડિયાના વપરાશ સંદર્ભે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે છોકરીઓએ સાંજના સાત વાગ્યા સુધીમાં ઘરે આવી જવું જોઈએ તો એવો નિયમ છોકરાઓ માટે કેમ નથી?
પોલીસથી ભૂલ થઈ છે
કોર્ટે આ કેસમાં જે રીતે બદલાપુર પોલીસ તપાસ કરી રહી છે એ બદલ નારાજગી વ્યક્ત કરી હતી અને તેમને સંવેદનશીલ બનવા કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે ‘આ કેસની એક પીડિત બાળકી અને તેના પરિવારને પોલીસ-સ્ટેશનમાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરવા બોલાવવામાં આવ્યાં. બદલાપુર પોલીસે તેમના ઘરે જઈને સ્ટેટમેન્ટ નોંધવાનો પ્રયાસ પણ નહોતો કર્યો. પોલીસ દ્વારા તપાસમાં ઘણી ભૂલ થઈ છે.’
મહારાષ્ટ્રના ઍડ્વોકેટ જનરલ બીરેન્દ્ર સરાફે કબૂલ્યું હતું કે તપાસમાં ભૂલ થઈ છે એટલે બદલાપુર પોલીસ-સ્ટેશનના ત્રણ ઑફિસરોને સસ્પેન્ડ કરી દેવાયા છે.
સ્કૂલમાં અમલ થઈ શકે એવી ગાઇડલાઇન્સ કમિટી બનાવે
ભવિષ્યમાં આવું ન બને એ માટે કોર્ટે સૂચન કર્યું હતું કે રિટાયર્ડ જજ, રિટાયર્ડ પોલીસમૅન, રિટાયર્ડ પ્રિન્સિપાલ, મહિલા ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર અને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના સભ્યોની એક કમિટી બનાવવી જોઈએ જે આ ઇશ્યુનો અભ્યાસ કરે અને નિયમો અને ગાઇડલાઇન્સ બનાવે જે સ્કૂલમાં ફૉલો કરી શકાય.
બળાત્કારના કેસની તપાસમાં ફૉરેન્સિક લૅબમાં અલાયદો વિભાગ બનાવો
કોર્ટે આ કેસની પીડિત બાળકીઓની તપાસ પહેલાં પુરુષ ડૉક્ટર દ્વારા કરવામાં આવી હતી એ બદલ નારાજગી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ કહ્યું હતું કે ફૉરેન્સિક લૅબોરેટરીમાં બળાત્કાર અને જાતીય અત્યાચારના કેસની તપાસ માટે અલાયદો વિભાગ હોવો જોઈએ જેથી એના રિપોર્ટ્સ જલદીથી મળી શકે.