પ્રો-ઍક્ટિવ ઍક્શન લેનારા પુણેના પોલીસ કમિશનર સામે પગલાં લેવાની જરૂર નથી

29 June, 2024 09:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્લડ-સૅમ્પલ બદલનારા સસૂન હૉસ્પિટલના ડૉક્ટરોની પણ ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આપી હતી. 

દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રના ગઈ કાલે બીજા દિવસે પુણેનો પૉર્શે-કાંડ ગાજ્યો હતો. વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે પુણેના પોલીસ-કમિશનરના રાજીનામાની માગણી કરી હતી ત્યારે નાયબ મુખ્ય પ્રધાનની સાથે ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘રૂપિયાથી ન્યાય ખરીદવાનો પ્રયાસ આ મામલામાં કરવામાં આવ્યો હોવાનો આરોપ છે એ જરાય ચલાવી ન લેવાય. આપણે કાયદાને વધુ કડક બનાવવા માટે ધ્યાન આપવું જોઈશે. આ ગંભીર મામલો છે, પણ પુણે પોલીસને બદનામ ન કરી શકાય. આ મામલામાં સંકળાયેલા પોલીસોને છોડવામાં નહીં આવે. પુણેના પોલીસ-કમિશનર અમિતેશ કુમારે પૉર્શે-કાંડમાં પ્રો-ઍક્ટિવ ઍક્શન લઈને આરોપીઓ સામે ઍક્શન લીધી છે. આથી કમિશનર સામે કોઈ પગલાં લેવાની જરૂર નથી જણાતી.’
પૉર્શે-કાંડમાં પુણેના જાણીતા બિલ્ડર વિશાલ અગરવાલ, તેના ટીનેજ પુત્ર, પિતા અને પત્ની સામે કાર્યવાહી કરવાની સાથે બ્લડ-સૅમ્પલ બદલનારા સસૂન હૉસ્પિટલના ડૉક્ટરોની પણ ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આપી હતી. 

mumbai news mumbai pune pune news devendra fadnavis