કચ્છમાં આશાપુરા માતાનાં દર્શને જનારા મુંબઈગરાઓ માટે છે ખાસ વ્યવસ્થા

09 October, 2023 10:17 AM IST  |  Mumbai | Mehul Jethva

મુંબઈ સહિત આસપાસનાં પરાંમાંથી પગપાળા અને સાઇકલ પર માતાજીનાં દર્શન કરવા જતા ભક્તોને કોઈ અગવડ ન પડે એ માટે આયોજકોએ કરી ખાસ સગવડ

કચ્છમાં આશાપુરા માતાનાં દર્શને જનારા મુંબઈગરાઓ માટે છે ખાસ વ્યવસ્થા


મુંબઈ : મુંબઈ સહિત આસપાસનાં પરાંમાં રહેતા ભાવિકો હજારોની સંખ્યામાં માતાજીની આસ્થા રાખીને હજારો કિલોમીટર પગે અથવા સાઇકલ પર અને અન્ય વાહનો સાથે કચ્છનાં કુળદેવી માઁ આશાપુરાનાં દર્શન કરવા જતા હોય છે. તેમને માતાજીનાં દર્શન કરવા વધુ રાહ ન જોવી પડે એ માટે મંદિરના આયોજકો દ્વારા વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે. એ સાથે પ્રસાદ લેવા માટે વધુ ભીડ ન થઈ જાય અને ભાવિકોને પ્રસાદ વ્યવસ્થિત મળી રહે એ માટે મંદિરની પાછળની બાજુ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.
દર વર્ષે નવરાત્રિની શરૂઆતથી હોમાદિક પૂર્ણાહુતિનાં દર્શન માટે આસો સુદ આઠમ (હવનાષ્ટમી)એ અહીં યોજાતા મોટા મેળામાં દેશદેશાવરથી હજારો ભાવિકો દર્શનાર્થે અહીં આવતા હોય છે. આ વર્ષે મંદિરની આસપાસમાં ગુજરાત ગવર્નમેન્ટ દ્વારા વિકાસનાં કેટલાંક કામો હાથ ધરવામાં આવ્યાં હતાં. જોકે નવરાત્રિ નજીક આવતાં મંદિરના ટ્રસ્ટીઓએ તમામ કામ હાલ પૂરતાં બંધ કરવા માટે રાજ્ય સરકાર સહિત સંબંધિત વિભાગોને અપીલ કરી હતી. એ અનુસાર મંદિરની આસપાસના વિસ્તારમાં આવેલા ખુલ્લા મેદાન અને જે વિસ્તારમાં કામ ચાલુ હતું એ જગ્યાને સ્વચ્છ કરવામાં આવી છે.
માતાના મઢના ટ્રસ્ટી ખેંગારજી જાડેજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માતાજીના શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં દર્શનાર્થે મંદિરમાં આવતા હોય છે. મુંબઈ ઉપરાંત નાશિક અને પુણે સહિત આસપાસના વિસ્તારોમાંથી આશરે એક લાખ ભક્તો માતાજીનાં દર્શન કરવા આવતા હોય છે. આમાંના મોટા ભાગના પગપાળા અને વાહનો પર દર્શન કરવા આવતા હોય છે. એ જોતાં અહીં આવતા ભક્તોને આશરે એકથી દોઢ કલાકની અંદર માતાજીનાં દર્શન કરવા મળી રહે એ માટેની સુવિધા અમે ગોઠવી રહ્યા છીએ. એ સાથે પ્રસાદ લેવા માટેની સુવિધા પહેલાં મંદિરની એક બાજુ હતી, જે આ વખતે અમે મંદિરની પાછળ લઈ ગયા છીએ જેથી ભાવિકો આરામથી પ્રસાદીનો લાભ લઈ શકે. ભક્તો માટે ૧૧ ઑક્ટોબરથી ભુજથી મંદિર સુધી એટલે કે ૧૦૦ કિલોમીટરના અંતરમાં ૨૨૫ જેટલા કૅમ્પ લાગશે, જેમાં વિવિધ સુવિધા ભક્તોને મળી રહેશે. છેલ્લાં ત્રણ વર્ષ કરતાં આ વખતે કોરોના અને બીજી બીમારીનો ડર ન હોવાથી વધુ ભક્તો માતાજીનાં દર્શન કરવા અહીં આવશે.’

mumbai news kutch kutchi community mehul jethva