પબ્લિક ટૉઇલેટ બની ગયું આપલા દવાખાના

05 February, 2024 07:11 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આ મહત્ત્વાકાંક્ષી યોજના બાંદરા-ઈસ્ટમાં સ્ટેશનની બહાર સાર્વજનિક શૌચાલયની જગ્યાએ શરૂ કરવામાં આવી.

ટૉઇલેટ

બાંદરા સ્ટેશનની ઈસ્ટ બાજુએ મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર થતી હોય છે. વળી ઈસ્ટમાં મોટાં-મોટાં બિઝનેસ હબ હોવાની સાથે લાંબા અંતરની ટ્રેનો પણ ઊપડે છે એ બાંદરા ટર્મિનલ પણ આવેલું છે. હજારો પ્રવાસીઓની અવરજવર થતી હોવાથી સ્ટેશનની ઈસ્ટ બાજુના ખૂણામાં એક પબ્લિક ટૉઇલેટ હતું. આ ટૉઇલેટ એક વર્ષ પહેલાં તોડી પાડવામાં આવ્યું હતું. એથી હવે આ વિસ્તારમાં કોઈ પબ્લિક ટૉઇલેટ ન હોવાથી અહીંથી અવરજવર કરતા પ્રવાસીઓ સહિત અન્ય લોકો માટે કોઈ વિકલ્પ ન હોવાથી તેઓ ખુલ્લામાં ટૉઇલેટ કરવા મજબૂર થઈ રહ્યા છે, જ્યારે મહિલાઓ પાસે કોઈ વિકલ્પ નથી. પબ્લિક ટૉઇલેટ ન હોવાને કારણે ખુલ્લામાં ટૉઇલેટ જવું પડતું હોવાથી આ પરિસરમાં ગંદકી ફેલાવાની સાથે દુર્ગંધ પણ આવતી હોય છે. એથી તોડી પાડેલા ટૉઇલેટને બદલે આસપાસ નવું પબ્લિક ટૉઇલેટ બનાવવું જરૂરી હોવાનું અહીંથી દરરોજ પ્રવાસ કરતા વેપારી વર્ગ સહિતના લોકોનું કહેવું છે.

બાંદરામાં અનેક ઑફિસો આવેલી છે અને બાંદરા ટર્મિનલ પણ હોવાથી લોકોની સારીએવી અવરજવર હોય છે. એમાં બીકેસીમાં ડાયમન્ડ માર્કેટ આવી જતાં લોકોની અવરજવર ઘણી વધી ગઈ છે. બાંદરા સ્ટેશનની ઈસ્ટ બાજુએ આવેલું પબ્લિક ટૉઇલેટ લગભગ એક વર્ષ પહેલાં તોડી પાડવામાં આવ્યું હતું. એને કારણે દરરોજ અવરજવર કરતા લોકોને પ્રૉબ્લેમ થાય છે.

દરરોજ બીકેસીમાં આવતા ડાયમન્ડના વેપારી ભાવેશ ગાબાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લાંબા સમયથી બ્રિજની પાસે ટૉઇલેટ હોવાથી લોકો માટે ઉપયોગી હતું. જોકે એક વર્ષ પહેલાં એને તોડી પાડવામાં આવ્યું અને એને બદલે આપલા દવાખાના શરૂ કરાયું છે. દવાખાના સામે કોઈ વાંધો નથી, પરંતુ ટૉઇલેટ તોડ્યું તો એને થોડે દૂર ​શિફટ કરવું હતું. અહીંથી મોટી સંખ્યામાં બીકેસીના વેપારીઓ અને સ્ટાફ પસાર થાય છે. ટૉઇલેટ ન હોવાને કારણે અનેક વખત તેમને સમસ્યા થતી હોય છે. અનેક લોકો તો ખુલ્લામાં જ ટૉઇલેટ કરતા હોય છે. એટલે ચાર્જ લઈને પણ અહીં ટૉઇલેટ શરૂ કરાય તો સારું થશે. બીએમસીના કમિશનરને મેં અનેક વખત ઈ-મેઇલથી ફરિયાદ કરી છે અને તેમણે ચાર-પાંચ જણને આ ફરિયાદ ફૉર્વર્ડ કરીને જણાવ્યું પણ છે, પરંતુ કોઈ હિલચાલ થઈ નથી.’

બીકેસીના અન્ય વેપારી નરેન્દ્ર મોરડિયાએ કહ્યું હતું કે ‘અહીં ટૉઇલેટ બનાવવાથી લોકોને સુવિધા મળશે. બાંદરા ટર્મિનલ જતા હજારો મુસાફરોને પડતી અસુવિધા દૂર કરવા માટે પ્રયત્ન કરવા જરૂરી છે. બાંદરા સ્ટેશન પર વિરાર અને ચર્ચગેટ આવતા-જતા પ્લૅટફૉર્મ પર ટૉઇલેટ નથી. હાર્બર લાઇન પર નૉર્થ બાજુએ ટૉઇલેટ છે. અન્ય કોઈ ઠેકાણે હોય તો ટર્મિનલ જતો પ્રવાસી સામાન ઊંચકીને પ્લૅટફૉર્મ પર આંટા મારી શકતો નથી. સ્ટેશનની બહાર હોય તો કોઈ પણ જલદી અને સરળતાથી જઈ શકે છે. ઈસ્ટ બાજુએ મોટા પ્રમાણમાં લોકોની અવરજવર છે એટલે બ્રિજની નીચે જગ્યા આવેલી હોવાથી ત્યાં ટૉઇલેટ બનાવવામાં આવે તો સારું થશે.’

mumbai news mumbai bandra eknath shinde