22 April, 2023 09:04 AM IST | Mumbai | Mehul Jethva
પ્રતિકાત્મક તસવીર
મુંબઈ ઃ ઉનાળાના વેકેશનમાં લોકો બહારગામ જાય છે ત્યારે ચોરોની ગૅન્ગ જાણે તેમની સીઝન આવી હોય એ રીતે સક્રિય થઈ જાય છે. વેકેશનમાં લોકો બહારગામ કે અન્ય સ્થળોએ ફરવા જાય ત્યારે ચોરી કરનાર ગૅન્ગ આ તકનો લાભ લઈને ઘરફોડી કરીને લૂંટફાટ ચલાવે છે. થાણે, મુંબઈ, વસઈ-વિરારમાં ચોરીના ગુના છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયા છે અને એમાં લાખો રૂપિયા કૅશ અને દાગીનાની ચોરી થઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.
થાણેના ઘોડબંદર પર ભાઈંદર પાડા વિસ્તારમાં રહેતા અને એક્સપોર્ટનો વ્યવસાય કરતા વિશાલ શેઠીએ જણાવ્યું હતું કે ‘બુધવારે સાંજે કામ પતાવીને હું ઘરે આવ્યો ત્યારે બેડરૂમના કબાટમાં રાખેલા ૨૩.૪૦ લાખમાંથી ૨૩ લાખ રૂપિયા ચોરાયા હોવાનું જણાયું હતું. ચોર ૪૦,૦૦૦ હજાર રૂપિયા રાખી ગયો હતો.’
બીજી ઘટના ઘોડબંદરના આંનદનગર વિસ્તારમાં બની હતી. ઘોડબંદરની રિજન્સી ટાવર સોસાયટીમાં રહેતા અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ પર અસિસ્ટન્ટ કમાન્ડર તરીકે કામ કરતા ત્રિભુવન જયસ્વાલે જણાવ્યું કે ‘૧૦થી ૧૯ એપ્રિલ દરમિયાન અમે બહારગામ ગયા હતા અને ૨૦ એપ્રિલે પાછા આવ્યા હતા. ત્યારે અમને મેઇન ડોર ખોલતાં હૉલની એક બારી તૂટેલી જોવા મળી હતી. તપાસ કરતાં બેડરૂમમાંથી ૨૪,૧૪,૦૦૦ રૂપિયાના દાગીના અને દોઢ લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનું જણાયું હતું.’
આ બન્ને ઘટનાની ફરિયાદ કાસરવડવલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આવી જ રીતે બંધ ઘરમાંથી ચોરી થઈ હોવાની પોલીસ-ફરિયાદ ચેમ્બુર, બોરીવલી, ભોઈવાડા, ગોરેગામ, મુલુંડ, મલાડ, નયાનગર, રબાળે સહિત અન્ય પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ છે.
કાસરવડવલીના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેશ બાબશેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ કેસની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. ઘરફોડીમાં ઉનાળામાં ખાલી ઘરને ટાર્ગેટ કરતી કોઈ ગૅન્ગ સક્રિય છે કે નહીં એ બાબતની તપાસ કરી રહ્યા છીએ. એ ઉપરાંત બીજા ઍન્ગલ પર પણ અમે તપાસ હાથ ધરી છે.’
બોક્સ
બોરીવલીમાં ગુજરાતીના ઘરમાંથી ૮.૯૦ લાખની ચોરી
બોરીવલી-વેસ્ટની ગાંજાવાલા લેનમાં આવેલી એક સોસાયટીમાં રહેતા હરેશ મહેતાએ કહ્યું હતું કે ‘૧૯ એપ્રિલે રાતે અમે બધા સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે મારી પત્ની જયશ્રી ઊઠીને કિચનમાં ગઈ ત્યારે બીજા બેડરૂમનો દરવાજો ખુલ્લો દેખાયો હતો. એ પછી તપાસ કરતાં કબાટમાંથી સાત લાખ રૂપિયાના દાગીના અને ૧.૯૦ લાખ રૂપિયાની રોકડ ચોરાઈ હોવાનું જણાયું હતું. એ ઘટનાની ફરિયાદ મેં બોરીવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.’