24 December, 2024 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ડોમ્બિવલી-ઈસ્ટમાં સ્ટેશન સામે જ મધુબન ટૉકીઝ આવેલી છે અને એનાથી સહેજ જ આગળ રામગનર પોલીસ-સ્ટેશન છે. એ મધુબન ટૉકીઝની ગલીમાં રવિવારે રાતે છ દુકાનનાં શટર તોડી ચોરી કરવામાં આવી હતી. જોકે રામનગર પોલીસનું કહેવું છે કે એક જ દુકાનમાંથી બે મોબાઇલ અને ૧૦,૦૦૦ રૂપિયાની રોકડ ગઈ છે.
આ દુકાનોમાં જે રીતે ચોરી કરવામાં આવી છે એ બહુ જ જૂની ટેક્નિક છે. બે બાજુ શટરનાં તાળાં હોય ત્યારે નીચે વચ્ચેથી જો લોખંડનો સળિયો ભેરવીને થોડું જોર લગાવવામાં આવે તો સહેજ શટર ઊંચું થાય છે અને એમાંથી એકાદ પાતળી વ્યક્તિ કે પાતળો છોકરો અંદર જઈ શકે. રવિવારની ચોરીમાં પણ મોટા ભાગે આ જ ટેક્નિક વાપરવામાં આવી છે. મોબાઇલ, ચંપલ, કપડાં તેમ જ લેડીઝ અન્ડરગાર્મેન્ટ્સની દુકાનમાં ચોરી થઈ છે.
આ વિશે માહિતી આપતાં મૂળ પાલિતાણાના ઘાંચી મુસ્લિમ તૌફિક મુસાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી ચંપલ અને કપડાની ગોલ્ડન કલેક્શન નામની દુકાન છે. મારી દુકાનમાંથી ૧૫,૦૦૦ રૂપિયાની રોકડ ગઈ છે. અમારી દુકાનનું શટર વચ્ચેથી ઊંચું કરીને ચોર અંદર ઘૂસ્યો છે. શટર ઊંચું કરવાથી પાતળો માણસ અંદર જઈ શકે એટલી જગ્યા કરવામાં આવી છે. મારી દુકાનની અંદર ક્લૉઝ્ડ સર્કિટ ટિલિવઝન (CCTV) કૅમેરા બેસાડ્યાં છે, પણ દુકાનમાં અંધારું હોવાથી કાંઈ દેખાતું નથી, પણ બીજી દુકાનના CCTVમાં એ બે ચોર દેખાય છે. અમે પોલીસ-સ્ટેશન ગયા હતા. પોલીસે એક જણની ફરિયાદ લીધી અને મારા સહિત અન્ય દુકાનદારો પાસેથી એક કાગળ પર ફરિયાદ લખાવી લીધી છે. બીજી દુકાનોમાંથી પણ કૅશ અને અન્ય માલ ચોરાયો છે.’
ચોરીના આ કેસની માહિતી આપતાં રામનગર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ગણેશ જવડવાડે ‘મિડ-ડે’ ને કહ્યું હતું કે ‘અમારી પાસે ચોરીની ફરિયાદ આવી છે. જોકે એક જ દુકાનમાંથી બે સાદા મોબાઇલ અને ૧૦,૦૦૦ રૂપિયા ચોરાયા છે. બીજી દુકાનોમા ચોર ગયા હતા, પણ એ દુકાનો પહેલાંથી જ બંધ રહેતી હતી એટલે એમાંથી કાંઈ ચોરાયું નથી. અમે CCTVનાં ફુટેજ લઈ રહ્યા છીએ અને એના આધારે ચોરને પકડવાના પ્રયાસો ચાલુ કર્યા છે.’