20 October, 2024 06:53 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે યમુના નદીમાં બોટમાં બેસીને શૂટિંગ કરતા ન્યુઝ-ચૅનલના કર્મચારીઓ પણ ફીણમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે આ ફીણ ઝેરી હોવા છતાં કેટલાક લોકો ધાર્મિક માન્યતાઓને અનુસરીને નવજાત બાળકને એમાં નવડાવતા જોવા મળ્યા હતા.
દિલ્હીમાં રહેતા લોકો માટે હવા ખરાબ છે, કારણ કે એનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ સૌથી ખરાબ છે અને હવે યમુના નદીનું પાણી પણ ખતરનાક રીતે ઝેરી બની ગયું છે. વૉશિંગ પાઉડરથી વધારે ફીણ તો યમુના નદીમાં દેખાઈ રહ્યું છે. છઠનો તહેવાર આવી રહ્યો છે પણ યમુના નદીમાં જઈને છઠપૂજા કરી શકાય એ સ્થિતિ રહી નથી. છઠપૂજા પહેલાં જ દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્થિતિ સુધી પહોંચી ગયું છે.
યમુના નદીના કાલિંદી કુંજ ઘાટ પર પાણીની ઉપર સફેદ રંગના ફીણની મોટી ચાદર બની ગઈ છે. દૂરથી એ બરફની જેવી દેખાય છે. પાણીમાં જ્યાં નજર કરીએ ત્યાં આ સફેદ રંગનું ફીણ જ દેખાય છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ યમુના નદીમાં પાણી ઓછું અને ફીણ વધારે દેખાઈ રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે યમુના નદી પર સફેદ રાક્ષસનો કબજો થઈ ગયો છે. દર વર્ષે યમુના નદી સાફ કરવાની વાતો કરનારી સરકારો આવી અને ગઈ પણ યમુના નદીમાં પ્રદૂષણનું સ્તર ઓછું થયું નથી.
યમુના નદીમાં દેખાઈ રહેલું સફેદ ફીણ ફૉસ્ફેટ અને નાઇટ્રેટના કારણે થયું છે જે એકદમ ખતરનાક છે. ઠંડી શરૂ થાય એટલે ઑક્સિજન બનવાની પ્રક્રિયા ધીમી પડી જતી હોય છે. ઘર અને ફૅક્ટરીઓમાંથી નીકળતા સિવેજમાં પણ ફીણ થવા લાગે છે, આથી દર વર્ષે શિયાળામાં યમુના નદીમાં સફેદ ફીણ નજરે પડે છે.
યમુના નદીની મુલાકાત લીધા બાદ એમાં વધી રહેલા પ્રદૂષણ અને છઠપૂજાના સંદર્ભમાં BJPના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ જણાવ્યું હતું કે ‘અરવિંદ કેજરીવાલે ૨૦૨૫ સુધીમાં યમુના નદીને ચોખ્ખી કરી દેવાનું અને યમુના નદીનું પાણી પીવાલાયક બનાવવાનું વચન આપ્યું હતું. આ નદીનું પાણી આજે ઝેરી બની ગયું છે. ૭૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને એ તમામ રકમ ભ્રષ્ટાચારમાં બરબાદ થઈ છે. કેજરીવાલ સરકારે યમુના નદી સાફ કરી નથી અને આ સનાતન ધર્મનું અપમાન છે. લોકો આ નદીમાં જઈને છઠપૂજા જેવો ધાર્મિક ઉત્સવ પણ મનાવી નહીં શકે. કેજરીવાલ ઍન્ટિ-હિન્દુ અને ઍન્ટિ-સનાતન છે.’