૮૦૦૦ રૂપિયે કિલો મટન મસાલા ૭૦૦૦ રૂપિયામાં મટન-કરી

11 August, 2024 07:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરરોજ સવારના ૫.૩૦થી ૬.૩૦ વાગ્યા દરમ્યાન VIP કેદીઓને મેનુનો રેટ આપવામાં આવે છે

તળોજા સેન્ટ્રલ જેલ

જેલમાં બંધ કેદીઓને દાળ-ભાત જેવું સાદું ભોજન આપવામાં આવે છે, પણ કેટલાક VIP કેદીઓ જેલના અધિકારીઓને પૈસા આપીને જોઈએ એ ભોજન મેળવી લે છે એવો આરોપ કરવામાં આવે છે. આવો જ મામલો નવી મુંબઈની તળોજા સેન્ટ્રલ જેલમાં સામે આવ્યો છે જેમાં VIP ફૂડનું મેનુ વાઇરલ થયું છે. એમાં કિલોદીઠ ૮૦૦૦ રૂપિયામાં મટન મસાલા, ૭૦૦૦ રૂપિયામાં મટન-કરી, ૨૦૦૦ રૂપિયામાં ફ્રાઇડ ચિકન અને ૧૫૦૦ રૂપિયામાં હૈદરાબાદી બિરયાની આપવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું છે.

ભીમા-કોરેગાવ મામલામાં જેલમાં બંધ આરોપી અને વકીલ સુરેન્દ્ર ગાડલિંગે તળોજા સેન્ટ્રલ જેલમાં ફૂડ-કરપ્શન થઈ રહ્યું હોવાનો આરોપ કર્યો છે. સામાન્ય કેદીઓને જેલમાં પૂરતું ભોજન નથી મળતું અને VVIP અને VIP કેદીઓ પાસેથી પૈસા લઈને ચિકન, મટન, ચાઇનીઝ ફૂડ આપવામાં આવતું હોવાનો આરોપ છે. આ બાબતની ફરિયાદ ભ્રષ્ટાચારવિરોધી ટીમને કરવામાં આવી છે એટલે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી સુરેન્દ્ર ગાડલિંગની ફરિયાદ મુજબ તળોજા સેન્ટ્રલ જેલમાં દરરોજ મેનુનો રેટ બદલવામાં આવે છે. દરરોજ સવારના ૫.૩૦થી ૬.૩૦ વાગ્યા દરમ્યાન VIP કેદીઓને મેનુનો રેટ આપવામાં આવે છે. બહારથી ફૂડ મગાવવા માટે પેમેન્ટ કૅશમાં આપવાનું હોય છે એટલે જેલની બહાર VIP કેદીએ પોતાનો એજન્ટ ઊભો રાખ્યો હોય છે. તે જેલના અધિકારીઓ સાથે વાતચીત કરીને ફૂડની લેવડદેવડ કરતો હોવાનો આરોપ છે.

mumbai news mumbai taloja jail mumbai food social media