મુંબઈ પહેલાં પુણેમાં શરૂ થશે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૬ સપ્ટેમ્બરે લોકાર્પણ કરશે

22 September, 2024 08:12 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

ગણેશોત્સવમાં પુણે મેટ્રોમાં ૩.૫ લાખ લોકોએ અત્યારે ચાલી રહેલી મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો

પુણેમાં ગઈ કાલે એક કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસ અને નીતિન ગડકરી.

મુંબઈમાં સૌપ્રથમ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ૩ નવરાત્રિમાં શરૂ થવાની ચર્ચા છે, પણ મુંબઈકરોની જગ્યાએ પુણેકરોને અન્ડરગ્રાઉન્ડ મેટ્રોની સુવિધા પહેલાં મળશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે પુણેમાં જાહેરાત કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૬ સપ્ટેમ્બરે એટલે કે આવતા ગુરુવારે પુણેની પહેલવહેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રોનું લોકાર્પણ કરશે અને આ જ સમયે વડા પ્રધાન અહીં બનાવવામાં આવનારી એલિવેટેડ મેટ્રોલાઇનનું ભૂમિપૂજન પણ કરશે.

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી ગઈ કાલે પુણેમાં એક કાર્યક્રમમાં સામેલ થયા હતા ત્યારે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘પુણેથી પંઢરપુર સુધીના સંત તુકારામ મહારાજ પાલખી માર્ગ અને સંત જ્ઞાનેશ્વર મહારાજ પાલખી માર્ગને ચાર લેનના કરવા માટેના પ્રોજેક્ટ બદલ નીતિન ગડકરીનો આભાર માનું છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ મહારાષ્ટ્રના વિકાસના અનેક પ્રોજેક્ટ પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. ૨૬ સપ્ટેમ્બરે પુણેમાં સિવિલ કોર્ટથી સ્વારગેટ સુધી બાંધવામાં આવેલી અન્ડરગ્રાઉન્ડ મેટ્રોલાઇનનું લોકાર્પણ કરશે. આ જ લાઇનના સ્વારગેટથી કાત્રજ સુધીની લાઇન અને પિંપરી-ચિંચવડથી નિગડી સુધીની એલિવેટેડ મેટ્રોલાઇનનું ભૂમિપૂજન પણ કરશે. અમે પુણેમાં નવી મેટ્રોલાઇનનું કામકાજ કરી રહ્યા છીએ. ગણેશોત્સવમાં પુણે મેટ્રોમાં ૩.૫ લાખ લોકોએ અત્યારે ચાલી રહેલી મેટ્રોમાં પ્રવાસ કર્યો હતો.’ 

mumbai news mumbai pune news pune narendra modi nitin gadkari devendra fadnavis