ઉદ્ધવ ઠાકરે જૂથ મુંબઈની ચાર લોકસભા બેઠક લડશે

26 January, 2024 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસ, એનસીપી અને શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના સમાવેશવાળી મહાવિકાસ આઘાડીના નેતાઓની ગઈ કાલે બેઠક મળી હતી.

ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર

કૉન્ગ્રેસ, એનસીપી અને શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના સમાવેશવાળી મહાવિકાસ આઘાડીના નેતાઓની ગઈ કાલે બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીમાં બેઠક વહેંચણી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં ઉદ્ધવ ઠાકરે જૂથને સૌથી વધુ, એ પછી કૉન્ગ્રેસ અને સૌથી ઓછી બેઠક શરદ પવાર જૂથને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા 
મળ્યું હતું.

મુંબઈની વાત કરીએ તો અહીંની છ લોકસભા બેઠકમાંથી ઉદ્ધવ ઠાકરે જૂથને ચાર બેઠક ફાળવવામાં આવશે. દક્ષિણ મુંબઈ, દક્ષિણ-મધ્ય મુંબઈ, ઉત્તર-પશ્ચિમ મુંબઈ અને ઈશાન્ય મુંબઈની લોકસભા બેઠકોમાં ઉદ્ધવ ઠાકરે જૂથ ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. ગઈ કાલની મહાવિકાસ આઘાડીની બેઠકમાં વંચિત બહુજન આઘાડી અને સ્વાભિમાની શેતકરી સંગઠનને ૧-૧ લોકસભા બેઠક આપવામાં આવશે. આ બેઠકો ઉદ્વવ ઠાકરે જૂથના ક્વોટામાંથી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

એનસીપીના વિધાનસભ્યોની અપાત્રતાની સુનાવણી અત્યારે રાજ્યના સ્પીકર ઍડ. રાહુલ નાર્વેકર સમક્ષ ચાલી રહી છે. ગઈ કાલે શરદ પવાર વિધાનભવનમાં પહોંચ્યા હતા અને તેમણે ચાલી રહેલી સુનાવણીની કાર્યવાહી સાંભળી હતી. એનસીપીમાં અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવો કર્યા બાદ પક્ષ અને પક્ષનું ચિહ્‌ન મેળવવા માટેની લડાઈ બન્ને જૂથ દ્વારા ચાલી રહી છે અને તેમણે એકબીજા સામે અપાત્ર હોવાનો કેસ દાખલ કર્યો છે. ગઈ કાલે સુનાવણી થઈ ત્યારે અજિત પવાર જૂથના સાંસદ સુનીલ તટકરેની શરદ પવાર જૂથના વકીલોએ ઊલટ તપાસ કરી હતી. સુપ્રીમ કોર્ટે ૩૧ જાન્યુઆરી સુધીમાં અપાત્રતાની સુનાવણી પૂરી કરીને ચુકાદો આપવાનો નિર્દેશ સ્પીકરને આપ્યો છે.

shiv sena uddhav thackeray nationalist congress party congress political news mumbai news mumbai