ટ્રક-ડ્રાઇવરો વીફર્યા, સહેલાણીઓ ફસાયા અને પોલીસો ભેરવાયા

02 January, 2024 07:19 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

કેન્દ્ર સરકારે ​રોડ-અકસ્માતમાં ઘટાડો થાય એ માટે મોટર વેહિકલ ઍક્ટમાં સુધારો કરી હવેથી ​હિટ ઍન્ડ રન કેસમાં ડ્રાઇવરને ૧૦ લાખ રૂ​પિયાનો દંડ અને ૭ વર્ષની કેદની જોગવાઈ કરી છે

આંદોલનકારી ડ્રાઇવરો

મુંબઈ : કેન્દ્ર સરકારે ​રોડ-અકસ્માતમાં ઘટાડો થાય એ માટે મોટર વેહિકલ ઍક્ટમાં સુધારો કરી હવેથી ​હિટ ઍન્ડ રન કેસમાં ડ્રાઇવરને ૧૦ લાખ રૂ​પિયાનો દંડ અને ૭ વર્ષની કેદની જોગવાઈ કરી છે, જેનો દેશભરના ટ્રાન્સપોર્ટરો ખાસ કરીને ટ્રક-ડ્રાઇવરો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે અકસ્માત અમે જાણીજોઈને નથી કરતા, એ અકસ્માત જ હોય છે. આ જે જોગવાઈ કરી છે એ યોગ્ય નથી, કારણ કે જ્યારે કોઈ અકસ્માત થાય ત્યારે લોકો ભેગા મળી ડ્રાઇવરને માર મારતા હોય છે. એથી ડ્રાઇવર એ મારથી બચવા ટ્રક એમ જ મૂકીને ભાગી જતા હોય છે. હાલ જે જોગવાઈ કરી છે એ અન્યાયકારક છે. એથી આ બાબતે ફેર​નિર્ણય થવો જોઈએ. ગઈ કાલે મુંબઈ-અમદાવાદ હાઇવે પર નાયગાંવ ખાતે, જેએનપીટી રોડ પર ઉલવે પાસે એમ અનેક જગ્યાએ ચક્કાજામ થયું હતું અને વાહનોની લાંબી લાઇન લાગી જતાં અનેક સહેલાણીઓ જે થર્ટીફર્સ્ટ કરવા ગયા હતા તેઓ ફસાઈ ગયા હતા અને કલાકો સુધી તેમણે ટ્રા​ફિક જૅમમાં હેરાન થવું પડ્યું હતું. ઉલવેમાં પોલીસ અને આંદોલનકારી ડ્રાઇવરો વચ્ચે ચકમક થતાં ડ્રાઇવરોએ લાકડાનો ડંડો લઈ પોલીસને મારવાનો પણ પ્રયાસ કર્યો હતો જેનો ​વિડિયો વાઇરલ થયો હતો. 

road accident indian government mumbai news mumbai