મુંબઈથી નવી મુંબઈ હવે ફક્ત ૨૦ મિનિટમાં જ જઈ શકાશે

25 May, 2023 08:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ-નવી મુંબઈને જોડતા ટ્રાન્સ-હાર્બર લિન્ક રોડને કનેક્ટ કરવામાં આવ્યો : ૨૨ કિલોમીટર લાંબા અને ૬ લાઇનના દેશના સૌથી મોટા બ્રિજથી બંને શહેરનું અંતર એક કલાકને બદલે ઘટીને આટલી મિનિટ થઈ જશે

ગઈ કાલે ટ્રાન્સ-હાર્બર લિન્ક પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને તેમના ડેપ્યુટી દેવેન્દ્ર ફડણવીસ કાર ડ્રાઇવ કરીને લઈ ગયા હતા. પ્રદીપ ધિવાર


મુંબઈ : મુંબઈના શિવડી અને નવી મુંબઈના ન્હાવાશેવાને જોડતા મુંબઈ ટ્રાન્સ-હાર્બર સી-લિન્કને ગઈ કાલે જોડવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સી-લિન્કને જોડવામાં આવ્યા બાદ ગઈ કાલે કારમાં પ્રવાસ કર્યો હતો જેમાં દેવેન્દ્ર ફડણવીસે કાર ડ્રાઇવ કરી હતી. અંદાજે ૧૮ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવી રહેલા ૨૨ કિલોમીટર લાંબા ટ્રાન્સ-હાર્બર લિન્ક પુલમાં ગોલ્ડન ડેક કહેવાય છે એનું કામ પૂરું થવાથી ગઈ કાલે સમુદ્રમાં પૅકેજ એક અને પૅકેજ બેને જોડવામાં આવ્યાં હતાં. ભારતના સૌથી લાંબા સમુદ્રમાં બાંધવામાં આવેલો આ ટ્રાન્સ-હાર્બર લિન્ક રોડ ૧૮ કિલોમીટર સમુદ્રમાં અને ચાર કિલોમીટર જમીન પર બાંધવામાં આવ્યો છે. આ બ્રિજ આ વર્ષે નવેમ્બર મહિનામાં શરૂ થવાની શક્યતા છે. એ સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાયા બાદ અત્યારનું મુંબઈ અને નવી મુંબઈનું વાહનમાર્ગનું એક કલાકનું અંતર માત્ર ૨૦ મિનિટ થઈ જશે.
ટ્રાન્સ-હાર્બર સી-લિન્કની જમણી બાજુએ શિવડીથી ચિર્લે સુધીનું કામ પૂરું થઈ ગયું છે. જોકે વૉટરપ્રૂફિંગ, સિમેન્ટ અને ક્રૅશ બૅરિયર મૂકવા સહિતનાં કામ અત્યારે ચાલી રહ્યાં છે. ૧૦.૩૮ કિલોમીટરની લંબાઈના પૅકેજ એકનું કામ એલ ઍન્ડ ટી-આઇએચઆઇ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ તબક્કામાં દક્ષિણ મુંબઈના શિવડી પાસે ઇન્ટરચેન્જ હશે. ૭.૮ કિલોમીટરના પૅકેજ બેમાં શિવાજીનગર પાસે ઇન્ટરચેન્જ છે એટલે નવ મુંબઈમાં આવેલા જેએનપીટી, ઉલવે અને નવા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને જોડવામાં આવશે. 
શિવડીમાં ગઈ કાલે ટ્રાન્સ-હાર્બર સી-લિન્કને જોડવામાં આવી હતી ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. મુંબઈના શિવડીથી નવી મુંબઈના ન્હાવાશેવા સુધીનું અંતર લિન્ક રોડ શરૂ થયા બાદ માત્ર ૨૦ મિનિટમાં કાપી શકાશે. આ સિવાય મુંબઈ-પુણે હાઇવેને પણ આ લિન્કને જોડવામાં આવશે એટલે મુંબઈ-પુણેનું અંતર પણ ઘટશે. આગળ જતાં આ લિન્ક રોડને વિવિધ હાઇવે સાથે પણ કનેક્ટ કરાશે. આ વર્ષના નવેમ્બર મહિના સુધીમાં આ બ્રિજને સામાન્ય વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
બીજા તબક્કાનું કામ ટૂંક સમયમાં પૂરું થશે
ટ્રાન્સહાર્બર સી-લિન્કનું કામ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવેલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ) દ્વારા કરવામાં આવ્યું છે. કમિશનર એસવીઆર શ્રીનિવાસે કહ્યું હતું કે ‘અત્યારે શિવડીમાં જમણી તરફના બ્રિજનું કામ પૂરું થઈ ગયું છે, જ્યારે ડાબી બાજુના ચિર્લેથી શિવડી સુધીના પૅકેજ એકનું કામ જૂન મહિનાના અંત સુધીમાં પૂરું થવાની આશા છે. આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના વિકાસ માટે મહત્ત્વનો ઠરશે. આ નવા બ્રિજથી મુંબઈ અને નવી મુંબઈ બંને શહેર વચ્ચેનું અંતર ઘટી જશે. બ્રિજ ૬ લાઇનનો બનાવવામાં આવ્યો છે એટલે બંને તરફ ત્રણ-ત્રણ લાઇનમાં દરરોજ લાખો વાહનો સરળતાથી પ્રવાસ કરી શકશે. આ સિવાય દેશનો આ પહેલો એવો બ્રિજ હશે જેમાં ઓપન રોડ ટોલિંગ સિસ્ટમ હશે. આ સિસ્ટમથી ટોલનાકા પર રોકાયા વિના ૧૦૦ કિલોમીટરની ઝડપથી વાહનો દોડી શકશે. અત્યારે ૯૫ ટકા કામ પૂરું થઈ ગયું છે. આજે સી-લિન્કને મુંબઈ સાથે જોડવામાં આવ્યો છે.’
૩૦ વર્ષ પહેલાંનો પ્રોજેકટ
મુંબઈ અને નવી મુંબઈને જોડતી મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક રોડની યોજના ૩૦ વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી. જોકે એમએમઆરડીએને નવેમ્બર ૨૦૧૭માં આ પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો. એપ્રિલ ૨૦૧૮માં બ્રિજ બાંધવાનું કામ શરૂ થયું હતું. કામ પૂરું કરવા માટે સાડાચાર વર્ષનો સમય નિર્ધારિત કરાયો હતો. જોકે કોવિડ-૧૯ મહામારીને લીધે કામમાં આઠ મહિનાનો વધુ સમય લાયો છે. 

mumbai news navi mumbai