18 August, 2024 06:31 AM IST | Mumbai | Mehul Jethva
કૅબ-ડ્રાઇવર સંજય યાદવ તથા રીપા પટેલને બચાવનારા ટ્રાફિક-પોલીસના ચાર કૉન્સ્ટેબલ.
મુલુંડ-વેસ્ટમાં રહેતાં ૫૬ વર્ષનાં રીપા પટેલને શુક્રવારે સાંજે ટ્રાફિક-વિભાગના કૉન્સ્ટેબલો અને કૅબ-ડ્રાઇવરે અટલ સેતુની સેફ્ટી-વૉલ પરથી પાણીમાં પડતાં બચાવી લીધાં હતાં. જોકે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં રીપાબહેને આત્મહત્યા કરવાની કોશિશ કરી હોવાનો દાવો અનેક વેબસાઇટ પર કરવામાં આવ્યો હતો. એની સામે રીપાબહેનને બચાવનારા ટ્રાફિક-કૉન્સ્ટેબલો અને ન્હાવા શેવા પોલીસનું કહેવું છે કે રીપાબહેન પોતાની પાસે રહેલા માતાજીના ફોટો પધરાવવા સેફ્ટી-વૉલ પર ચડ્યાં હતાં અને એટલામાં પોલીસની સાયરન સાથે આવેલી ગાડી જોઈને ગભરાઈને નીચે પડ્યાં હતાં.
કારમાં બેથી ત્રણ વાર રીપાબહેને એવી હરકત કરી હતી જેનાથી મને લાગ્યું કે તેઓ આત્મહત્યા કરવા અટલ સેતુ પર આવ્યાં હતાં એમ જણાવતાં કૅબ-ડ્રાઇવર સંજય યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રીપાબહેનના પરિવારના લોકો અવારનવાર બહાર ફરવા જવા અથવા મુંબઈમાં ક્યાંય જવું હોય તો મારી અને મારા ભાઈની કાર લઈ જતા હોય છે. શુક્રવારે સાંજે પણ મારા ભાઈનો મને ફોન આવ્યો હતો કે ગણેશ ગાવડે રોડ પરથી રીપાબહેનને પિક-અપ કરીને તેમને જે જગ્યાએ જવું હોય ત્યાં લઈ જા. એટલે હું સાંજે સાડાપાંચ વાગ્યાની આસપાસ મુલુંડ પહોંચ્યો ત્યારે રીપાબહેને મને અટલ સેતુ જવાનું કહ્યું હતું. મુલુંડથી અટલ સેતુના આશરે ૨૬ કિલોમીટરના અંતરમાં મને એક-બે વાર ફોન આવ્યા અથવા કારમાં મ્યુઝિક વાગ્યું ત્યારે રીપાબહેન ચિડાઈ ગયાં હતાં. સાત વાગ્યાની આસપાસ અમે અટલ સેતુ પહોંચ્યાં હતાં. ત્યારે રીપાબહેને મને કાર ઊભી રાખવા કહ્યું એટલે મેં તેમને કહ્યું કે અટલ સેતુ પર કાર ઊભી રાખવાની મનાઈ છે. ત્યારે તેમણે મને કહ્યું કે તેમને માતાજીના ફોટો પધરાવવા છે એટલે મેં કાર ઊભી રાખી હતી. ત્યારે પાછળથી ઊતરીને તેઓ સેફ્ટી-વૉલ પર ચડી ગયાં હતાં. તેમને ઉપર ચડતાં જોઈને હું નીચે ઊતરીને તેમની પાસે પાછળ ગયો ત્યારે તેઓ ફોટો પધરાવી રહ્યાં હતાં. જોકે એટલામાં સાયરનવાળી પોલીસની વૅન આવી ત્યારે રીપાબહેનનું બૅલૅન્સ ગયું કે તેઓ પોતાની મરજીથી નીચે પડ્યાં એ કંઈ ખબર ન પડી. ત્યારે મેં તેમનો હાથ પકડી લીધો હતો. એક વાર તેમણે હાથ છોડાવવાની કોશિશ કરી હતી, પણ પાછળથી તેમણે બચાઓ... બચાઓ... એવી બૂમો પણ પાડી હતી. જોકે થોડી વારમાં અમે તેમને બચાવી લીધાં હતાં.’
ગઈ કાલે હું ડ્યુટી પર જવા ઘરેથી નીકળ્યો ત્યારે મારી ચાર વર્ષની દીકરીએ મને કહ્યું કે આવું ખતરનાક કામ બીજી વાર ન કરતા એમ જણાવતાં રીપાબહેનને બચાવવા સેફ્ટી-વૉલ પર ચડેલા ટ્રાફિક-કૉન્સ્ટેબલ કિરણ મ્હાત્રેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે ૭.૦૪ વાગ્યે અમારા પૅટ્રોલિંગ વાહનને મેસેજ આવ્યો કે અટલ સેતુના ૧૨.૬ કિલોમીટર પર એક મહિલા કારની બહાર આવીને કોઈક ચીજો પાણીમાં ફેંકી રહી છે. એટલે અમે માત્ર ચાર મિનિટમાં ત્યાં પહોંચ્યા હતા. એટલામાં મહિલા સેફ્ટી-વૉલની નીચે પડી હતી. એ જોઈને હું અને મારી સાથે રહેલા કૉન્સ્ટેબલ લલિત શિરસાટ, યશ સોનાવણે અને મયૂર પાટીલ તાત્કાલિક મહિલાને બચાવવા દોડ્યા હતા. અમે મહિલાને ઉપર ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તે મહિલા બચાઓ... બચાઓ... એવી બૂમો પાડી રહી હતી. જોકે અમે તેને આશરે ૧૨ સેકન્ડમાં જ ઉપર ખેંચ્યા બાદ ન્હાવા શેવા પોલીસની ટીમને સોંપી દીધી હતી.’
મહિલાનું બૅલૅન્સ જવાથી તે નીચે પડી હતી એમ જણાવતાં ન્હાવા શેવા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અંજુમ ભાગવાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રીપાબહેન તેમના પતિ મુકેશ સાથે મુલુંડમાં રહે છે. તેમને સંતાન નથી. તેમણે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે તેમની પાસે દેવી-દેવતાના ફોટો હતા એ ઊંડા પાણીમાં પધરાવવા હતા એટલા માટે તે અટલ સેતુ પર આવ્યાં હતાં. સેફ્ટી-વૉલ પર બેસીને તે ફોટો પધરાવી રહ્યાં હતાં ત્યારે સાયરન વગાડીને આવેલી પોલીસની વૅન જોઈને ગભરાઈ ગયાં હતાં અને નીચે પડ્યાં હતાં. ત્યાર બાદ તેમના પતિને ફોન કરવાની કોશિશ કરવામાં આવી હતી. જોકે તેમના પતિ બહારગામ હોવાથી તેમણે ફોન ઉપાડ્યો નહોતો. ત્યાર બાદ તેમના જીજાજીનો સંપર્ક કરી તેમને બોલાવીને રીપાબહેનને તેમના તાબામાં આપ્યાં હતાં. આ સંદર્ભે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.’
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના વિધાન પરિષદના સભ્ય મિલિંદ નાર્વેકરે અટલ સેતુના કન્ટ્રોલ-રૂમની ગઈ કાલે મુલાકાત લીધી હતી. ત્યાર બાદ અટલ સેતુ પરથી કૂદવાનો પ્રયાસ કરી રહેલી મહિલાને બચાવનાર કૅબ-ડ્રાઇવર સંજય યાદવ તથા ટ્રાફિક-પોલીસના કિરણ મ્હાત્રે, લલિત શિરસાટ, યશ સોનાવણે, મયૂર પાટીલ અને કન્ટ્રોલ-રૂમના કિશોર કુંટેને સિદ્ધિવિનાયકની પ્રતિમા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. નવી મુંબઈના પોલીસ-કમિશનર મિલિંદ ભારમ્બેએ પણ બચાવટીમની બહાદુરીની પ્રશંસા કરી હતી.