midday

થાણેની હૉસ્પિટલના સ્ટાફને નોકરીમાંથી કાઢ્યા પછી આંદોલન બાદ પાછો લેવામાં આવ્યો

20 June, 2021 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાના કેસ ઓછા થતાં અને તેમની જરૂર ન જણાતાં તેમને શુક્રવારે નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં. તેમણે ગઈ કાલે હૉસ્પિટલની બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
આંદોલન કરી રહેલો ગ્લોબલ હૉસ્પિટલમાં કાર્યરત સ્ટાફ.

આંદોલન કરી રહેલો ગ્લોબલ હૉસ્પિટલમાં કાર્યરત સ્ટાફ.

થાણેમાં બાલકુંભ પાસે થાણે મહાનગરપાલિકાની કોવિડ હૉસ્પિટલમાં કામ કરતા ડૉક્ટરો, નર્સ, વૉર્ડબૉય વગેરે મળીને ૨૦૪ લોકોને શુક્રવારે રાતે વૉટ્સઍપ પર મેસેજ કરીને કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદ બીજેપી અને એમએનએસ દ્વારા આંદોલન કરવામાં આવતાં તેમને પાછા કામ પર લેવામાં આવ્યા હતા.
ગ્લોબલ કોવિડ હૉસ્પિટલનાં ડૉક્ટરો, નર્સ, વૉર્ડબૉય વગેરેએ કોરોનાના સમયમાં જાનની બાજી લગાવીને દરદીઓની સેવા કરી હતી. કોરોનાના કેસ ઓછા થતાં અને તેમની જરૂર ન જણાતાં તેમને શુક્રવારે નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં. તેમણે ગઈ કાલે હૉસ્પિટલની બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તેમની મદદે બીજેપી અને એમએનએસના પદાધિકારીઓ આવ્યા હતા. તેમણે સુધરાઈને અપીલ કરતાં એ લોકોને પાછા નોકરી પર રાખી લેવામાં આવ્યાં હતાં.
થાણે મહાનગરપાલિકાના પીઆરઓ સંદીપ માલવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે અમે તમામ સ્ટાફને પાછો રાખી લીધો છે. જોકે ગ્લોબલ હૉસ્પિટલમાં કાર્યરત ઓમ સાંઈ એજન્સીનો આ તમામ સ્ટાફ હતો.’

Whatsapp-channel
Mumbai mumbai news