04 December, 2024 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભાઈંદર-ઈસ્ટના બી.પી. રોડ પરની એક સોસાયટીમાં રહેતી ૧૫ વર્ષની છોકરી મોબાઇલ પર છુપાઈને વાત કરતી પકડાઈ જતાં ઘર છોડીને ભાગી ગઈ હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મીરા-ભાઈંદર વસઈ-વિરાર (MBVV)ના નવઘર પોલીસે ટીનેજરના પિતાની ફરિયાદ પર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શુક્રવારે ૧૫ વર્ષની છોકરીને તેના પિતાએ મોબાઇલ પર વાત કરતી પકડી પાડી હતી. ત્યાર બાદ પિતાએ પૂછપરછ કરતાં તેણે ઝઘડો કર્યો હતો અને બાદમાં ઘર છોડીને ચાલી ગઈ હતી. આ મામલે પોલીસ છોકરી જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસી વધુ માહિતી કાઢવાની કોશિશ કરી રહી છે.
પિતા અને પુત્રી બે જણનો જ પરિવાર છે, આ મામલે અમે પિતાની વધુ પૂછપરછ કરી રહ્યા છીએ એમ જણાવતાં નવઘર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છોકરીના પિતા કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. પિતાએ માત્ર ડરાવવા પોતાની પુત્રીને પોલીસ-સ્ટેશન આવવા માટે કહ્યું હતું. ત્યાર બાદ છોકરી ઘર છોડીને ચાલી ગઈ હતી.’