વેસ્ટર્નના પ્રવાસીઓની હાડમારી ઓછી થશે

13 December, 2023 08:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટર્ન રેલવેમાં ગોરેગામ અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનનું કામકાજ હાલ પુરજોશમાં ચાલુ છે અને એ કામ એપ્રિલ અથવા મેના અંત સુધીમાં આટોપી લેવાની રેલવેની ગણતરી છે

વેસ્ટર્નના પ્રવાસીઓની હાડમારી ઓછી થશે

મુંબઈ : મુંબઈની લાઇફલા​ઇન ગણાતી લોકલ ટ્રેનમાં રોજ લાખો મુસાફરો પ્રવાસ કરે છે. તેમની મુશ્કેલી કઈ રીતે ઓછી થાય તથા તેમનો પ્રવાસ કઈ રીતે ઝડપી અને સેફ બને એ માટે રેલવે દ્વારા સતત પ્રયાસો થતા રહેતા હોય છે. 

વેસ્ટર્ન રેલવેમાં ગોરેગામ અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનનું કામકાજ હાલ પુરજોશમાં ચાલુ છે અને એ કામ એપ્રિલ અથવા મેના અંત સુધીમાં આટોપી લેવાની રેલવેની ગણતરી છે. જો બધું સમુંસૂતરું પાર પડશે તો ચર્ચગેટ-વિરારની ૨૫થી ૩૦ વધુ લોકલ દોડી શકે એમ છે. જો ટ્રેનની સંખ્યા વધશે તો ચોક્કસ પ્રવાસીઓને પણ એનો ફાયદો થશે અને પ્રવાસીઓ વહેંચાઈ જતાં ગિરદીનું પ્રમાણ ઓછું થવાની શક્યતા છે. 

હાલ વેસ્ટર્ન રેલવે દ્વારા રોજની ૧૩૯૪ સર્વિસ દોડાવવામાં આવે છે, જેમાં ઍવરેજ ૩૦ લાખ લોકો પ્રવાસ કરે છે. દર ૩-૪ મિનિટે એક લોકલ દોડે છે એટલે લોકલની સંખ્યામાં વધારો કરવો શક્ય નહોતું. હવે જ્યારે પાંચમી અને છઠ્ઠી લાઇન તૈયાર થઈ જશે ત્યારે મેલ-એક્સપ્રેસ ટ્રેનો એના પરથી દોડાવવાની યોજના છે, જેને કારણે ચર્ચગેટ-વિરાર વચ્ચેના ફાસ્ટ ટ્રૅક પર એટલો સમય વધુ મળી શકશે અને એથી એ સમય દરમ્યાન વધુ ટ્રેનો દોડાવી શકાશે. એટલે ઓવરઑલ પ્રવાસીઓને ગિરદીમાં થોડી રાહત મળી શકશે. 

western railway borivali goregaon mumbai local train mumbai news