18 May, 2024 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાવેશ ભિંડે
ઘાટકોપરની હોર્ડિંગ-દુર્ઘટના માટે જવાબદાર ભાવેશ ભિંડેની કંપની ઈગો મીડિયાએ દાદર-ઈસ્ટમાં રેલવે પરિસરમાં સાત હોર્ડિંગ ઊભાં કર્યાં છે અને એ બધાં જ હોર્ડિંગ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની મૅક્સિમમ સાઇઝ ૪૦x૪૦ ફીટની લિમિટનો ભંગ કરતાં હોવાથી હવે એ બધાં જ સ્ક્રુટિની હેઠળ આવી ગયાં છે. બુધવારે BMCના ઍડિશનલ કમિશનર અને ડિસ્ટ્રિક્ટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીના ભૂતપૂર્વ ચૅરપર્સન અશ્વિની જોશીએ રેલવે પરિસરમાં સુધરાઈની પરમિસિબલ લિમિટ કરતાં વધુ મોટાં હોર્ડિંગ્સ હોય તો એ ઉતારી લેવા નોટિસ ઇશ્યુ કરી છે.
ઈગો મીડિયા દ્વારા લગાવવામાં આવેલાં એ સાત હોર્ડિંગ BMCના એફ-નૉર્થ વૉર્ડ હેઠળ આવે છે. દાદર-ઈસ્ટના તિલક રોડ પાસે ઊભાં કરાયેલાં આ સાતમાંથી છ હોર્ડિંગ ૩૦x૮૦ ફીટનાં છે, જ્યારે એક હોર્ડિંગ ૮૦x૧૦૦ ફીટનું છે. BMCના ઑફિસરે કહ્યું હતું કે ‘અમારા રેકૉર્ડ પ્રમાણે ઉપરોક્ત એજન્સીનું એક પણ હોર્ડિંગ અમારા વિસ્તારમાં નથી. અમને જે પુરાવા મળ્યા છે એના પરથી એવું લાગી રહ્યું છે કે એ રેલવેના પરિસરમાં હોઈ શકે. એ ઍડ એજન્સી ફક્ત રેલવે પર જ ફોકસ કરી રહી હોય એવું જણાય છે. રેલવે ઍડ્મિનિસ્ટ્રેશનને આ બાબતે નોટિસ ઇશ્યુ કરી હોવાથી તેમણે એ હોર્ડિંગ ઉતારી લેવાં જોઈએ.’