મંજૂરી મળતાં થશે બીજેપીના ફાયરબ્રૅન્ડ વિધાનસભ્ય ટાઇગર રાજા સિંહની સભા

24 February, 2024 07:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્થાનિક પોલીસને મંજૂરી આપવાનો આદેશ આપ્યો હતો. આથી બીજેપીના તેલંગણના ફાયરબ્રૅન્ડ વિધાનસભ્ય ટાઇગર રાજા સિંહની રૅલી અને સભા યોજાશે.

રેલી

ગયા મહિને રામોત્સવના સમયે મીરા રોડમાં મુસ્લિમો દ્વારા હિન્દુઓ પર હુમલો કરવાની ઘટના બની હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ નિષ્ફળ રહી હોવાનો આરોપ થયા બાદ અહીં પોલીસ કડક બની ગઈ છે. મુસ્લિમ અને હિન્દુ સમાજ વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા હોય એવા એક પણ કાર્યક્રમને પરવાનગી નથી આપવામાં આવી રહી. હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જયંતી નિમિત્તે સકલ હિન્દુ સમાજ દ્વારા મીરા રોડમાં રવિવારે રૅલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે એને પણ પોલીસે પરવાનગી નહોતી આપી. આયોજકોએ આ બાબતે કોર્ટમાં અરજી કરી હતી. ગઈ કાલે કોર્ટે કાયદો અને વ્યવસ્થા ખરાબ થાય એવી કોઈ હરકત ન કરવાની શરતે કાર્યક્રમ કરવાની ચેતવણી આપવાની સાથે સ્થાનિક પોલીસને મંજૂરી આપવાનો આદેશ આપ્યો હતો. આથી બીજેપીના તેલંગણના ફાયરબ્રૅન્ડ વિધાનસભ્ય ટાઇગર રાજા સિંહની રૅલી અને સભા યોજાશે.

સકલ હિન્દુ સમાજ દ્વારા મીરા રોડમાં મુસ્લિમો દ્વારા હિન્દુઓ પર હુમલો કરવાની ઘટનાના વિરોધમાં હિન્દુ આક્રોશ રૅલીનું આયોજન રવિવારે કરવામાં આવ્યું છે. સાંજે ૬ વાગ્યે કાશીમીરાથી ભાઈંદર સુધી આ રૅલી કાઢવામાં આવશે અને બાદમાં જાહેર સભાનું આયોજન છે. જોકે પોલીસે મંજૂરી ન આપતાં આયોજકોએ બૉમ્બે હાઈ કોર્ટમાં પરવાનગી મેળવવા માટે અરજી દાખલ કરી હતી.

આ અરજીની સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી અને કોર્ટે કાર્યક્રમ યોજવા માટે મંજૂરી આપવાનો આદેશ પોલીસને આપ્યો હતો. 
આ વિશે અરજી કરનારા સકલ હિન્દુ સમાજ વતી કોર્ટમાં દલીલ કરનારા ઍડ્વોકેટ ખુશ ખંડેલવાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસે કોઈ નક્કર કારણ વિના રૅલી અને જાહેર સભાની પરવાનગી ન આપી હોવાની અમે કોર્ટમાં રજૂઆત કરી હતી. આથી કોર્ટે મીરા રોડની તાજેતરની હિંસક ઘટનાને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા ખરાબ ન થાય એવી રીતે તેમ જ કોઈ હેટ સ્પીચ ન આપે એવી શરતે રૅલી અને સભા યોજી શકાશે. કોર્ટે પોલીસને અમારા કાર્યક્રમને મંજૂરી આપવાનો આદેશ પણ આપ્યો હતો. આથી રવિવારે સાંજના રૅલી અને સભાનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમથી કોઈ ગરબડ ન થાય એની જવાબદારી આયોજકોની સાથે પોલીસની પણ રહેશે. કોર્ટે રૅલી અને જાહેર સભાનું રેકૉ​ર્ડિંગ કરવાનો આદેશ પોલીસને આપ્યો છે.’

mumbai news mumbai shivaji maharaj mira road