28 September, 2024 05:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રસ્તાની હાલત જુઓ
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા છ મહિના પહેલાં જેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે એવા વિલે પાર્લે ફ્લાયઓવર પરનો રસ્તો હાલમાં પડેલા ભારે વરસાદમાં ઊખડી ગયો છે. ૭૯૦ મીટર લાંબા આ બે લેનના ફ્લાયઓવરનો ૨૦૦થી ૨૫૦ મીટરનો રસ્તો ઊખડી જતાં મોટરિસ્ટોને ભારે અગવડ પડી રહી છે. છ મહિનામાં જ આ રસ્તો ઊખડી જતાં કેવા પ્રકારની બાંધકામ-ક્વૉલિટી હશે એના પર સવાલ પૂછવામાં આવી રહ્યા છે. રસ્તો ખરાબ થતાં અકસ્માત થવાનો પણ ડર છે.
૯ માર્ચે કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે, મુંબઈના પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢા અને MMRDAના મેટ્રોપૉલિટન કમિશનર ડૉ. સંજય મુખરજીએ એને ખુલ્લો મૂક્યો હતો. ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ટર્મિનલ-ટૂથી બાંદરા જવા માટે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને કનેક્ટ કરવા અને અંધેરી તથા વિલે પાર્લેથી ટર્મિનલ-1 પર જતાં ટ્રાફિક જૅમમાંથી છુટકારો મેળવવા માટે આ ફ્લાયઓવર બાંધવામાં આવ્યો હતો અને એના બાંધકામમાં નવતર પદ્ધતિનો ઉપયોગ થયો હતો.
૨૦૨૧ના જૂન મહિનામાં આ ફ્લાયઓવર બાંધવાનું કામ શરૂ કરાયું હતું અને એની પાછળ કુલ ૪૮.૪૩ કરોડ રૂપિયા (પ્રોવિઝનલ)નો ખર્ચ થયો છે.