18 March, 2023 08:17 AM IST | Mumbai | Rohit Parikh
અંતરીક્ષજી તીર્થમાં ભગવાનના લેપની પ્રક્રિયા પહેલાંની વિધિ શરૂ
મહારાષ્ટ્રના આકોલા પાસેના શિરપુર ગામમાં આવેલા જૈનોના અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થમાં શ્વેતાંબર અને દિગંબર જૈન સમુદાયો વચ્ચે શનિવારથી લેપની પ્રક્રિયા સંદર્ભમાં શરૂ થયેલા વિવાદનો ગઈ કાલે અંત આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર શ્વેતાંબર જૈન સમુદાય દ્વારા ૪૨ વર્ષ બાદ ગયા શનિવારે સરકારી તાળાં દૂર કરવામાં આવ્યાં હતાં અને ગઈ કાલથી ભગવાન અંતરીક્ષજી પાર્શ્વનાથની મૂર્તિની પૂજા-સેવા ભાવિકો કરી શકે એ માટે એક અઠવાડિયાથી અટકી ગયેલી લેપની પ્રક્રિયા પહેલાંની વિધિ શરૂ કરવામાં આવી હતી. જો કોઈ વિઘ્ન આવશે નહીં તો આ લેપની પ્રક્રિયા અંદાજે દોઢથી બે મહિના ચાલશે. ત્યાર પછી બધા જૈન સમુદાયના ભાવિકો શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની પૂજા-સેવા કરી શકશે.
સુપ્રીમ કોર્ટના ૨૨ ફેબ્રુઆરીના ઇન્ટરિમ નિર્દેશ અનુસાર અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થની સંપૂર્ણ વ્યવસ્થા ૪૨ વર્ષ પછી શ્વેતાંબર જૈન સમુદાયને સોંપવામાં આવી હતી. જોકે શનિવાર, ૧૧ માર્ચે સરકારી તાળાં દૂર થયા પછી શ્વેતાંબર સમુદાયે ભગવાનના લેપની શરૂઆત કરી ત્યારે દિગંબર સમુદાય દ્વારા એવી માગણી કરવામાં આવી હતી કે કોર્ટના આદેશમાં ક્યાંય લેપની પ્રક્રિયા દરમિયાન દેરાસરના દરવાજા બંધ રાખવાનો કે ભગવાનનાં દર્શન બંધ રાખવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આથી શ્વેતાંબરો ભગવાનની મૂર્તિ પર લેપની પ્રક્રિયા દરમિયાન દર્શન કે દેરાસરના દરવાજા બંધ કરશે નહીં. એટલું જ નહીં, આ પ્રક્રિયા દરમિયાન શ્વેતાંબરો ૪૨ વર્ષ પહેલાં ભગવાનની મૂર્તિ જેવી હતી એવી જ રહેવા દેશે. જૈનોના આ બે સમુદાયમાં શ્વેતાંબર સમુદાય ભગવાનની મૂર્તિ પર કંદોરો (આંગી) કરે છે અને ચક્ષુ લગાડે છે, જ્યારે દિગંબરો પ્રમાણે આંગી કરવામાં આવતી નથી અને ચક્ષુ લગાડવામાં આવતાં નથી. આથી હવે જ્યારે સુપ્રીમ કોર્ટે એના આદેશમાં મૂર્તિના કૅરૅક્ટરમાં એટલે કે એના દેખાવમાં કોઈ ફરક કરવાની પરવાનગી આપવામાં આવી નથી એટલે દિગંબર સમુદાયે લેપ કરતી વખતે શ્વેતાંબરો મૂર્તિના દેખાવમાં કોઈ ફરક કરે નહીં એના પર બારીકાઈથી નજર રાખીને વિવાદ શરૂ કરવામાં આવ્યો હતો.
ભગવાનના લેપ બાબતમાં વિવાદ શરૂ થતાં પોલીસની નજર સામે જ અમુક તત્ત્વો દ્વારા દેરાસરના દરવાજા તોડીને દર્શન કરવાની જીદ સાથે દેરાસરમાં ચાલી રહેલી લેપની પ્રક્રિયાને રોકવામાં આવી હતી. આ બનાવ બનતાં જ શ્વેતાંબરોને ફરીથી પ્રભુ તેમનાથી દૂર થઈ જશે એવો ભય લાગ્યો હતો. આ માહિતી આપતાં અંતરીક્ષ તીર્થના સક્રિય કાર્યકર કલ્પેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક વાર જીર્ણ થયેલા પ્રભુની પ્રતિમા લેપ દ્વારા સુરિક્ષત બની જાય પછી બધાને એટલે કે દિગંબર અને શ્વેતાંબર સમુદાયને તેમની પરંપરા અનુસાર પૂજા કરવા મળવાની જ હતી. જોકે દિગંબર સમુદાયે દેરાસર અને દર્શન ખુલ્લાં રાખીને લેપ કરવાની માગણી કરી હતી. લેપ રોકાઈ જતાં અંતરીક્ષજી તીર્થમાં બિરાજમાન ભુવનભાનુસૂરી સમુદાયના પરમહંસવિજયજી મહારાજસાહેબ અને અન્ય સાધુભગવંતોએ ઉપવાસ આંદોલનની શરૂઆત કરી હતી. એની સાથે ગુરુવારે સાધુભગવંતોની નિશ્રામાં શિરપુર પોલીસ-સ્ટેશન આકોલાના સંઘની સાથે મૌન રેલી કાઢવામાં આવી હતી અને તેમને લેપની પ્રક્રિયા શાંતિપૂર્વક કોઈ અવરોધક વગર થઈ શકે એ માટે સાથ-સહકાર આપવાની માગણી કરવામાં આવી હતી.’
આખરે ગઈ કાલે સવારે પ્રાચીન, ઐતિહાસિક અને વિશ્વપ્રસિદ્ધ એવા અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનના લેપની શાંતિપૂર્વક શરૂઆત કરવામાં આવી હતી. આ સંદર્ભની માહિતી આપતાં શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થમાં બિરાજમાન પંન્યાસ શ્રી પરમહંસવિજયજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે દેરાસરના દરવાજા અને દર્શન ખુલ્લાં રાખીને ગઈ કાલથી લેપની પ્રક્રિયાની શરૂઆત કરી હતી. લેપની પ્રક્રિયામાં કોઈ અવરોધ ન આવે એ માટે સ્વયંસેવકોએ મૂર્તિને કૉર્ડન કરીને રાખશે. આ માટે હજી અમારી વાટાઘાટ ચાલી રહી છે. પોલીસ પ્રશાસને રૅલીના સમયે સુરક્ષાનું આશ્વાસન આપતાં અમે ગઈ કાલે ઉપવાસનાં પારણાં કરી લીધાં છે. અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે હવે આ પ્રક્રિયા નિર્વિઘ્ને પાર પડી જાય અને દોઢથી બે મહિના પછી જૈનો એમની પરંપરા પ્રમાણે પૂજા-સેવા કરી શકે.’