મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત સ્પર્ધાનું પરિણામ પ્રજાસત્તાક દિને જાહેર કરાશે

21 January, 2022 09:52 PM IST  |  Mumbai | Karan Negandhi

પરિણામની જાહેરાત ઓનલાઈન યુટ્યુબના માધ્યમે કરવામાં આવશે

મુંબઈ ગુજરાતી સંગઠનનો લોગો - ફોટો સૌજન્ય મુંબઈ ગુજરાતી સંગઠન

મહારાષ્ટ્રમાં માતૃભાષા ગુજરાતીની શાળાઓ માટે કાર્યરત મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ૨૦૨૧ નિમિત્તે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું પરિણામ આગામી પ્રજાસત્તાક દિન – ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ સાંજે ૪ કલાકે જાહેર કરવામાં આવશે.

પરિણામની જાહેરાત ઓનલાઈન યુટ્યુબના માધ્યમે કરવામાં આવશે, જેની લિન્ક સ્પર્ધકો સુધી પહોંચાડવામાં આવશે. નોંધનીય છે કે સંગઠન દ્વારા સંસ્કૃત શ્લોક ગાન/પઠન, ચિત્ર બોલે છે!, સ્વનિર્મિત વાદ્ય વૃંદ રચના, સ્વરચિત હાસ્યની ફુલઝર અને વક્તૃત્વ જેવી વિવિધ પાંચ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. સ્પર્ધાનું રજિસ્ટ્રેશન કવિ નર્મદની જન્મજયંતી એટલે કે 24 ઑગસ્ટ 2021થી શરૂ કરવામાં આવ્યું હતું અને રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ હતી.

આ ઉપરાંત વિજેતાની જાહેરાત સાથે સંગઠન નવા ઉપક્રમની પણ જાહેરાત કરવા જઈ રહ્યું છે, જેમાં જે ગુજરાતી શાળાઓ ઉત્તમ કાર્ય કરી રહી છે તેમને ‘માતૃભાષાની ઉત્તમ શાળા’નું બિરુદ આપવામાં આવશે. આ સંદર્ભે વાત કરતાં મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશ મહેતાએ જણાવ્યું કે “દર વર્ષે જેમ સરકાર પ્રજાસત્તાક દિન નિમિત્તે વિવિધ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી રહેલા લોકોને નવાજે છે. તે જ રીતે અમે નક્કી કર્યું છે કે દર વર્ષે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે માતૃભાષાની શાળાઓને સન્માનિત કરવામાં આવશે.”

તેમણે ઉમેર્યું કે “માતૃભાષાની શાળાઓ આજના કપરા સમયમાં પણ ઉત્તમ કામગીરી કરી સમાજમાં માતૃભાષામાં ભણતરના દીવડાં પ્રગટાવી રહી છે. સંચાલકો, આચાર્ય અને શિક્ષકો સાથે મળી વાલીઓમાં આત્મસંતોષની લાગણી ઉદભવે એ રીતે વિદ્યાર્થીઓને તૈયાર કરી રહ્યા છે, ત્યારે ‘માતૃભાષાની શાળાઓનું ગૌરવ’ ફરી ખીલી ઊઠશે. આ પ્રકલ્પ અંતર્ગત વર્ષ ૨૦૨૧માં જે શાળાઓ પસંદગી પામી છે, તેમના નામની જાહેરાત પણ ૨૬ જાન્યુઆરી પરિણામની જાહેરાત બાદ કરવામાં આવશે.”

તેમણે એવી હાકલ પણ કરી હતી કે ભવિષ્યમાં ફરી માતૃભાષાની શાળાઓ ધમધમતી થાય એ માટે સૌ સાથે મળીને કાર્ય કરવું જોઈએ.

mumbai news mumbai