09 December, 2024 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વિધાનભવનમાં કોલાબાના વિધાનસભ્ય રાહુલ નાર્વેકર. (તસવીર : શાદાબ ખાન)
વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી વિજય મેળવનારી મહાયુતિ તરફથી ગઈ કાલે વિધાનસભાના સ્પીકરપદ માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના કોલાબા વિધાનસભાના વિધાનસભ્ય અને ભૂતપૂર્વ સ્પીકર રાહુલ નાર્વેકરે ગઈ કાલે ફરી એક વાર ઉમેદવારી નોંધાવી હતી. બીજા કોઈએ સ્પીકરપદ માટે ઉમેદવારી નથી નોંધાવી એટલે આજે સ્પેશ્યલ સેશનના ત્રીજા દિવસે રાહુલ નાર્વેકર જ સતત બીજી વખત વિધાનસભાના સ્પીકર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવશે એ નક્કી છે.
વિરોધ પક્ષોની મહા વિકાસ આઘાડીના એક પણ પક્ષને ૨૯ બેઠક નથી મળી તો વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોને બનાવવામાં આવશે? એવા સવાલના જવાબમાં રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે ‘ગઈ ટર્મમાં મેં પક્ષપાત કર્યા વિના જવાબદારી સંભાળી હતી તો પણ વિરોધ પક્ષોએ મારી ટીકા કરી હતી. વિધાનસભામાં વિરોધ પક્ષનો નેતા કોણ બનશે એનો નિર્ણય લેવાનો અધિકારી સ્પીકરને હોય છે. નિયમમાં જે બેસતું હોય એ મુજબ નિર્ણય લેવાય છે. જો હું સ્પીકર બનીશ અને વિરોધ પક્ષના નેતા નીમવા બાબતની વાત મારી પાસે આવશે ત્યારે અમે વિચાર કરીને નિર્ણય લઈશું. રાજ્યના ૨૮૮ વિધાનસભ્યોને ન્યાય નહીં અપાય તો જનતા સાથે અન્યાય થશે એવું લાગશે. બધાને ન્યાય આપવો એ સંસદીય લોકશાહી માટે ખૂબ મહત્ત્વનું છે.’