એકનાથ ખડસેની BJPમાં માનભેર ઘરવાપસીની શક્યતા, શરદ પવાર જૂથને મોટો ફટકો પડશે

04 April, 2024 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રામપંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાઈને રાજકીય કાર​કિર્દીની શરૂઆત કરનારા એકનાથ ખડસેએ BJPને મહારાષ્ટ્રમાં ગામેગામ સુધી પહોંચાડવાનું કામ કર્યું છે

એકનાથ ખડસે

૨૦૧૬માં ભારતીય જનતા પાર્ટી (BJP)ને છોડી દેનારા વરિષ્ઠ નેતા એકનાથ ખડસે ફરીથી માનભેર તેમની મૂળ પાર્ટીમાં પ્રવેશ કરે એવી શક્યતા છે. હાલમાં તેઓ શરદ પવાર જૂથની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં છે. શરદ પવાર તેમને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાની રાવેર લોકસભા બેઠક પરથી ટિકિટ આપવા ઇચ્છુક હતા, પણ ખડસેએ આ ઑફર નકારી દીધી હતી કારણ કે તેમના દિવંગત પુત્ર નિખિલની પત્ની રક્ષા ખડસે BJPની ટિકિટ પર આ બેઠક પરથી ૨૦૧૪ અને ૨૦૧૯ એમ બે વાર વિજયી બની છે અને આ વખતે ત્રીજી વાર તે મેદાનમાં છે. જો તેઓ ટિ​કિટનો સ્વીકાર કરે તો સસરા અને વહુનો મુકાબલો થાય એમ હતું. જોકે ખડસેના BJPપ્રવેશ મુદ્દે તેણે કોઈ પ્રતિક્રિયાઆપી નથી.

ગ્રામપંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાઈને રાજકીય કાર​કિર્દીની શરૂઆત કરનારા એકનાથ ખડસેએ BJPને મહારાષ્ટ્રમાં ગામેગામ સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.

૨૦૧૪માં વિધાનસભાની ચૂંટણીમાં ખડસેએ BJPના વિજય માટે જોરદાર મહેનત કરી હતી અને કૉન્ગ્રેસ, NCP અને શિવસેના કરતાં સૌથી વધારે બેઠકો મેળવીને BJP સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની હતી. તેઓ સરકારમાં મુખ્ય પ્રધાન બનશે એવું લાગી રહ્યું હતું, પણ દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા અને આ બે નેતાઓ વચ્ચેના મતભેદો વધી ગયા હતા.
મહેસૂલ ખાતાના પ્રધાન તરીકે એકનાથ ખડસેએ તેમના જમાઈ ગિરીશ ચૌધરીને પુણે જિલ્લામાં જમીન ફાળવી એવા આરોપોના પગલે તેમની સામે તપાસ થયા બાદ તેમણે ૨૦૧૬માં BJPમાંથી રાજીનામું આપીને ૨૦૨૦માં શરદ પવારની પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. તેમને વિધાન પરિષદના મેમ્બર બનાવવામાં આવ્યા હતા.

eknath khadse sharad pawar nationalist congress party bharatiya janata party mumbai mumbai news