15 May, 2024 11:57 AM IST | Mumbai | Mehul Jethva
ભાવેશ ભિંડે અને ભાવેશ જ્યાં રહે છે એ મુલુંડનું ગોલ્ડન વિલા બિલ્ડિંગ.
મુલુંડ-વેસ્ટમાં રહેતા અને મુલુંડ-વેસ્ટમાં જ ઈગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડના નામથી ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી ચલાવતા ભાવેશ ભિંડેની કંપની દ્વારા ઘાટકોપરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર લગાવવામાં આવેલું ૧૨૦x૧૨૦ ફીટનું ગેરકાયદે હોર્ડિંગ સોમવારે ડર્સ્ટ સ્ટૉર્મને કારણે એના સ્ટ્રક્ચર સાથે ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશનના પેટ્રોલ પમ્પ પર પડતાં ૧૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં. ત્યાર બાદ પોલીસે તેની સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે તે મિસિંગ છે અને તેનો ફોન બંધ છે.
કલ્પવૃક્ષ બિલ્ડિંગમાં ભાવેશની આૅફિસ.
કોણ છે ભાવેશ ભિંડે?
મૂળ સૌરાષ્ટ્રના રાજકોટના કુવાડવા ગામના હાલાઈ લોહાણા જ્ઞાતિના ભાવેશનો જન્મ મલાડમાં થયો હતો. તેના જન્મના થોડા વખત પછી તેની ફૅમિલી મુલુંડ-વેસ્ટમાં રહેવા આવી ગઈ હતી. અનેક જગ્યાએ નોકરી કરવાની સાથે તેણે અભ્યાસ પણ કર્યો હતો. એ પછી બારમા ધોરણમાં ફેલ થવાથી ભણવાનું છોડીને તેણે વ્યવસાયમાં ધ્યાન આપ્યું હતું.
ઍડ એજન્સીના વ્યવસાયમાં આવ્યો
પેપરની ડિલિવરીનું કામ કરતી વખતે ૧૯૯૪માં ભાવેશે મુંબઈની એક ઍડ એજન્સીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ ત્યાંથી નોકરી છોડીને પોતાની ઍડ એજન્સીનું કામ શરૂ કર્યું હતું. તે ગુજરાતી હોવાથી ભાવેશને બધા ગુજ્જુ કહી બોલાવતા એટલે તેની ઍડ એજન્સીનું નામ પણ ગુજ્જુ રાખીને મુલુંડમાં ઑફિસ ખોલી હતી.
રેલવે અને અન્ય સરકારી વિભાગની જાહેરાતો ભાવેશની એજન્સી દ્વારા રિલીઝ કરવામાં આવતી. થાણે રેલવે-સ્ટેશનથી વિદ્યાવિહાર સુધી ગુજ્જુ ઍડનાં હોર્ડિંગ્સ લાગતાં હતાં. ત્યારે ભાવેશની કંપનીની સેન્ટ્રલ રેલવેએ ઍડ એજન્સી તરીકે નિમણૂક કરી હતી. એની સાથે BMC, TMC અને વિવિધ સરકારી એજન્સીની સત્તાવાર ઍડ એજન્સી તરીકે પણ તેણે કામ કર્યું હતું.
વિધાનસભાનું ઇલેક્શન લડ્યો
૨૦૦૯માં વિધાનસભાના ઇલેક્શનમાં ભાવેશે મુલુંડમાંથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. એમાં તેણે પોતાની નિશાની નારિયેળ રાખી હતી. આ ઇલેક્શનમાં BJPના સરદાર તારા સિંહનો વિજય થયો હતો, જ્યારે ભાવેશને ૧૪૪૧ વોટ મળ્યા હતા. તેણે વિધાનસભાનું ઇલેક્શન જીતવા માટે લાખો રૂપિયાનો વેડફાટ એ સમયે કર્યો હતો.
ઍફિડેવિટમાં ૨૩ કેસની માહિતી
જાહેરાત એજન્સીના માલિક ભાવેશે ૨૦૦૯માં મુલુંડ મતદારક્ષેત્રમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટ હેઠળ તેની સામે ૨૩ કેસ નોંધાયેલા છે.
ઘર બંધ કરીને પલાયન છે
ઘાટકોપરના પંતનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેશ કેવલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના બાદ ભાવેશ ભિંડે અને અન્યો સામે ૩૦૪, ૩૩૭, ૩૩૮, ૩૪ કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ અમારી ટીમ મુલુંડ ભાવેશના ઘરે પહોંચી ત્યારે તે મળી આવ્યો નહોતો. તેની ઑફિસ પર જઈને તપાસ કરતાં ત્યાં તાળું હતું. તેને શોધવા માટે ટીમો બનાવવામાં આવી છે. તેનો મોબાઇલ ફોન હાલમાં પણ બંધ છે.’
બળાત્કારનો કેસ પણ નોંધાયો છે
આ વર્ષે જાન્યુઆરીમાં ભાવેશ સામે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં બળાત્કારનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. જોકે આ કેસમાં તેને જામીન મળ્યા છે.
ભાવેશ ભિંડેનો ઉદ્ધવ ઠાકરે સાથેેનો ફોટો પ્રગટ થયો
ઘાટકોપરમાં ડસ્ટ સ્ટૉર્મ અને વરસાદને કારણે સોમવારે તૂટી પડેલા હોર્ડિંગની ઘટનામાં જે એજન્સીએ આ હોર્ડિંગ લગાવ્યું હતું એના માલિક ભાવેશ ભિંડેનો માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરે સાથેનો ફોટો સ્થાનિક વિધાનસભ્ય રામ કદમે ગઈ કાલે શૅર કરવાથી આ ઘટના સાથે ઉદ્ધવ ઠાકરેનું કનેક્શન તો નથીને એવો સવાલ ઊભો થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઘાટકોપર-વેસ્ટના વિધાનસભ્ય રામ કદમે સોશ્યલ મીડિયામાં ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘ગુસ્સો લાવનારો આ ફોટો છો. ગેરકાયદે હોર્ડિંગને સંરક્ષણ કોનું હતું એ આ ફોટો પરથી સ્પષ્ટ થાય છે. કોવિડના કાળમાં ખીચડીચોર અને કફનચોર આજેય ટકાવારી મેળવવા ૧૪ નિર્દોષ લોકોનો જીવ લઈ રહ્યા છે. આ પાપ ક્યાં જઈને ધોશો?’