બે કચ્છી ભાઈઓ સપડાયા આત્મહત્યાના કેસમાં

04 September, 2024 06:47 AM IST  |  Mumbai | Mehul Jethva

આ કેસની અમે વધુ તપાસ કરી રહ્યા છીએ અને હજી સુધી અમે કોઈની ધરપકડ નથી કરી.

પ્રતીકાત્મક તસવીર

મલાડમાં રહેતા ગાર્મેન્ટ‍્સના આ વેપારીઓ બાકી નીકળતા ૨૫ લાખ રૂપિયા પાછા નથી આપી રહ્યા અને સામે ધમકી આપે છે એવો વિડિયો બનાવીને જીવન ટૂંકાવી દીધું એક બિઝનેસમૅને:  ચિરાગ અને કેતન સાવલા સામે ફરિયાદ નોંધાઈ છે, પણ તેમનું તો કહેવું છે કે ઊલટાના અમારે પૈસા લેવાના નીકળતા હતા

મલાડમાં રહેતા ગાર્મેન્ટ્સના બે વેપારીઓ સામે પોલીસે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધ્યો છે. ૩૭ વર્ષના નરેન્દ્ર સોનકર નામના વેપારીએ ૩૧ મેએ આત્મહત્યા કરી લીધી હતી. જોકે એ સમયે તેણે એક વિડિયો બનાવ્યો હતો, જેમાં તેણે પોતાના અંતિમ પગલા માટે ચિરાગ અને કેતન સાવલા જવાબદાર હોવાનો આરોપ કર્યો હતો. નરેન્દ્ર સોનકરે આરોપ કર્યો હતો કે સાવલા ભાઈઓએ તેને માલના ૨૫ લાખ રૂપિયા આપવાના બાકી હતા અને આ પૈસા જ્યારે માગ્યા ત્યારે તેમને ધમકાવવામાં આવ્યા હતા અને આ જ કારણસર પોતે સુસાઇડ કરી રહ્યો છે.

આમ તો આ ઘટના ૩૧ મેએ બની છે પણ નરેન્દ્રની પત્ની પરિવાર સાથે ગામ જતી રહી હતી. પાછા આવ્યા બાદ નરેન્દ્રના એક મિત્રએ તેને આ વિડિયો ફૉર્વર્ડ કર્યો હતો, જેના આધારે નરેન્દ્રની પત્ની મમતાએ પોલીસને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ કાંદિવલી પોલીસે પણ પ્રાથમિક તપાસ કર્યા બાદ રવિવારે ચિરાગ અને કેતન સાવલા સામે કેસ નોંધ્યો હતો.

મારા પતિ નરેન્દ્ર પૅન્ટ-શર્ટ બનાવી હોલસેલમાં ચિરાગ અને કેતન સાવલાને આપતા હતા, પણ ૨૦૨૨થી તેમણે થોડા-થોડા કરીને ૨૫ લાખ રૂપિયા આપવાના બાકી રાખ્યા હોવાનું જણાવીને નરેન્દ્રની પત્ની મમતા સોનકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નરેન્દ્ર કાંદિવલીના લાલજીપાડામાં ખુશી ગાર્મેન્ટના નામે વ્યવસાય કરતા હતા. ૩૧ મેએ સવારે દુકાન જાઉં છું એમ કહી તેઓ ઘરેથી નીકળ્યા હતા. ત્યાર બાદ કલાકો સુધી કોઈ ફોનના જવાબ ન દેતાં હું દુકાને જોવા પહોંચી હતી ત્યારે તેમણે દુકાનના પંખા સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી. એ પછી હું અને મારો પરિવાર દેશમાં અંતિમવિધિ માટે ગયા હતા. આ બધું પતાવી જ્યારે હું મુંબઈ આવી ત્યારે મારા પતિના એક મિત્રએ મને વૉટ્સઍપ પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં નરેન્દ્ર બોલી રહ્યા હતા કે ચિરાગ અને કેતન સાવલાએ ૨૫ લાખ રૂપિયાની ઉધારી ન આપી તેમને ધમકાવ્યા હોવાથી આ બધાથી કંટાળીને પોતે આત્મહત્યા કરી રહ્યા છે અને તેમની આત્મહત્યા માટે આ બન્ને જણ જ જવાબદાર છે. હવે મારી પોલીસ પાસેથી એટલી જ આશા છે કે તેઓ મારા બન્ને છોકરાઓને ન્યાય અપાવે.’

આ કેસમાં પહેલાં અમે આકસ્મિક મૃત્યુની નોંધ કરી હતી પણ નરેન્દ્રએ બનાવેલો વિડિયો સામે આવ્યા બાદ ચિરાગ અને કેતન સાવલા સામે ફરિયાદ નોંધી છે એમ જણાવતાં કાંદિવલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સંતોષ પગારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અત્યારે તો આ કેસની અમે વધુ તપાસ કરી રહ્યા છીએ અને હજી સુધી અમે કોઈની ધરપકડ નથી કરી. 

કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેકટર જ્ઞાનેશ્વર ગનોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં અમે બન્ને આરોપીઓનાં સ્ટેટમેન્ટ્સ નોંધ્યાં છે, પણ તેમણે તો નરેન્દ્ર સોનકર પર જ આરોપ કર્યો છે. ચિરાગ અને કેતન સાવલાનું કહેવું છે કે તેમણે નરેન્દ્ર પાસેથી પૈસા લેવાના નીકળે છે. તેમના આ સ્ટેટમેન્ટ બાદ હવે અમે તેમના બિલ અને અકાઉન્ટના ચોપડાની તપાસ કરી રહ્યા છીએ. આ કેસમાં અમારા હાથમાં કોઈ સજ્જડ પુરાવા આવશે ત્યાર બાદ જ કાર્યવાહી કરવામાં આવશે.’ આ કેસના સંદર્ભમાં ચિરાગ સાવલાનો સંપર્ક કરવાની ‘મિડ-ડે’એ ઘણી કોશિશ કરી હતી, પણ તેમનો ફોન બંધ આવતો હતો.

mumbai news mumbai kutchi community gujarati community news suicide Crime News mumbai crime news