27 July, 2024 01:12 PM IST | Mumbai | Priti Khuman Thakur
રેલવેમાં સ્ટન્ટ કરનાર યુવકે એક હાથ અને એક પગ ગુમાવ્યો છે.
સેન્ટ્રલ રેલવેમાં અત્યંત જોખમી સ્ટન્ટ કરનાર વડાલાના યુવકની ઓળખ થઈ છે અને હવે તેને પોતાના આ કૃત્યનો ભારે અફસોસ થઈ રહ્યો છે, કેમ કે એ યુવકે એક હાથ અને એક પગ ગુમાવ્યા છે. આ યુવકે અગાઉ પણ અનેક સ્ટન્ટ કર્યા હતા. જોકે તે ફરી સ્ટન્ટ કરવા ગયો અને શરીરનાં બે અંગ ગુમાવ્યાં. પ્રવાસીઓએ આવા સ્ટન્ટ નહીં કરવા એવી અપીલ રેલવે વિવિધ માધ્યમથી કરી રહી છે છતાં લોકો જીવસટોસટના ખેલ ખેલતા રહે છે.
૧૪ જુલાઈએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ થયેલો એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં એક યુવકે ચાલતી ટ્રેનમાં ચડતી વખતે જોખમી સ્ટન્ટ કર્યા હતા. એમાં તે ચાલતી ટ્રેનની બહાર લટકીને સ્ટન્ટ કરી રહ્યો હતો. આ વિડિયો ધ્યાનમાં આવતાં વડાલાના રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં દેખાતા અજાણ્યા યુવક વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને સ્ટન્ટ કરનાર યુવકને પકડવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
સેન્ટ્રલ રેલવેના સિનિયર ડિવિઝનલ સિક્યૉરિટી કમાન્ડર રિશી શુક્લાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ વિડિયો વાઇરલ થયા બાદ આ યુવકને RPF શોધી રહી હતી. અંતે માહિતીના આધારે RPFની ટીમ આ યુવકને શોધી કાઢવામાં સફળ રહી હતી. એ યુવક વડાલાના ઍન્ટૉપ હિલમાં રહે છે અને તે ૨૬ વર્ષનો ફરહત આઝમ શેખ હોવાનું જણાયું હતું. વિડિયોમાં જોવા મળેલી ઘટના વિશે પૂછપરછ કરતાં તેણે પુષ્ટિ કરી હતી કે તેણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) જતી ટ્રેનમાં ૭ માર્ચે શિવડી સ્ટેશને આ સ્ટન્ટ કરવાનું ગેરકાયદે કૃત્ય આચર્યું હતું. તેણે ખુલાસો કર્યો હતો કે તેણે લાઇક્સ મેળવવા માટે અને એને સોશ્યલ મીડિયા પર અપલોડ કરવા માટે એક મિત્ર પાસે એ વિડિયો રેકૉર્ડ કરાવ્યો હતો.’
વધુ માહિતી આપતાં રિશી શુક્લાએ જણાવ્યું કે ‘ફરહત ૧૪ એપ્રિલે મસ્જિદ સ્ટેશન પર બીજો સ્ટન્ટ કરતી વખતે અકસ્માતનો ભોગ બન્યો હતો. એમાં એ યુવક ચાલતી ટ્રેનમાં સ્ટન્ટ કરવા જતાં તેનું બૅલૅન્સ ગયું અને ટ્રેન અને પ્લૅટફૉર્મ વચ્ચેના ગૅપમાં પડી જતાં તેનો એક હાથ અને પગ કપાઈ ગયા હતા. એ પછી રેલવે પોલીસ તેને CSMTની સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલ લઈ ગઈ હતી. તેના આ સ્ટન્ટથી હવે તેને રોજિંદા કામકાજ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. તે ખૂબ હતાશ છે. રેલવેને આપેલા વિડિયોમાં તેણે તમામ પ્રવાસીઓને આવા ખતરનાક ખેલ કરવાથી દૂર રહેવાની વિનંતી કરી છે. તે હાથ-પગ ગુમાવ્યા બાદ નોકરી પણ કરતો નથી.’ આ સ્ટન્ટ કરનાર ફરહત આઝમ શેખ સાથે ‘મિડ-ડે’એ વાત કરવાની કોશિશ કરી હતી, પણ થઈ શકી નહોતી, પરંતુ તેણે રેલવે પોલીસને આપેલા લેખિત નિવેદનમાં સવિસ્તર વાત જણાવીને અફસોસ વ્યક્ત કર્યો છે.