દિવસે લોકલ ટ્રેનમાં ગાયક અને સાંજે મોબાઇલચોર

11 December, 2023 07:48 AM IST  |  Mumbai | Shirish Vaktania

બાંદરા રેલવે પોલીસે એવા આરોપીની ધરપકડ કરી છે જે આવી નોખી મોડસ ઑપરેન્ડી વાપરીને ફોનની તફડંચી કરતો હતો. દિવસ દરમ્યાન ગીતો ગાઈને પૈસા ઉઘરાવતા અને ધસારાના સમયે ચોરી કરતા શબ્બીર શેખની સામે મોબાઇલચોરીના ૨૫ કેસ છે

હકડેઠઠ ભરાયેલી ટ્રેનમાં ધસારાના સમયે શબ્બીર શેખ મોબાઇલ ચોરી કરતો હતો.

મુંબઈ : બાંદરા પોલીસે મુંબઈની લોકલ ટ્રેનોમાં ૨૫થી વધુ મોબાઇલચોરીના કેસમાં સંડોવાયેલી ૩૨ વર્ષની વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ શબ્બીર અમીરજાન શેખ તરીકે થઈ છે. તે નાલાસોપારાનો રહેવાસી છે અને ટ્રેનમાં ભીખ માગવાનું તથા ગાવાનું કામ કરે છે. તેની મોડસ ઑપરેન્ડી એવી હતી કે દિવસ દરમ્યાન ગીત ગાતાં અને ભીખ માગતાં તે ટ્રેનમાં પ્રવેશ કરતો અને ભીડનો લાભ લઈને સાંજે ૬થી ૮ વાગ્યાની વચ્ચે મોબાઇલ ફોનની ચોરી કરતો.

આરોપી વડાલા, દાદર, વસઈ, બોરીવલી, કુર્લા, અંધેરી અને બાંદરા રેલવે પોલીસ સ્ટેશન સહિતનાં રેલવે પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ૨૫થી વધુ કેસોમાં વૉન્ટેડ છે. બાંદરા રેલવે પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર એ. બી. સદિગલે જણાવ્યું હતું કે ‘૧૮ નવેમ્બરે આરોપી દાદર રેલવે સ્ટેશનથી વિરાર ટ્રેનમાં પ્રવેશ્યો હતો અને તેણે કૉલેજના એક વિદ્યાર્થીનો આઇફોન ચોર્યો હતો. આરોપી ભીડનો લાભ લઈને ટ્રેનની અંદર પ્રવેશ્યો હતો. અમે દાદર રેલવે સ્ટેશનના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં અને જાણવા મળ્યું કે આરોપીએ દાદર રેલવે સ્ટેશનથી ટ્રેન પકડીને આ ગુનો કર્યો હતો. સીસીટીવી ફુટેજની મદદ વડે અમે તેને શોધી કાઢ્યો હતો. દાદર રેલવે સ્ટેશન પરથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.’

એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘આરોપી શેખ રીઢો ગુનેગાર છે જે વિરાર અને પનવેલ લોકલ ટ્રેનમાં સાંજે ૬થી ૮ વાગ્યાની વચ્ચે ગુના કરે છે. શેખ ટ્રેનની અંદર ભીખ માગતો હતો અને ગીત ગાતો હતો અને સાંજે તે મોબાઇલ ફોનની ચોરી કરતો હતો. શહેરભરમાં આ આરોપી સામે અત્યાર સુધીમાં ૨૫થી વધુ કેસ નોંધાયા છે અને અગાઉ તેની ધરપકડ કરવામાં આવી છે.’
વડાલા રેલવે પોલીસે પાંચ વખત, દાદર રેલવે પોલીસે પાંચ વખત, વસઈએ ચાર, બોરીવલીએ એક, કુર્લાએ બે, અંધેરીએ ત્રણ અને બાંદરાએ એક વખત શેખની ધરપકડ કરી હતી. 

mumbai news maharashtra news bandra