મુંબઈથી ભુવનેશ્વરની ફ્લાઇટ મોડી પડવાથી પૅસેન્જરો થઈ ગયા પરેશાન

27 December, 2023 08:43 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

સવારની ફ્લાઇટ પકડવા લોકો વહેલી સવારે ઘરેથી નીકળ્યા હતા, પણ સાડાત્રણથી ચાર કલાક બેસી રહેવું પડતાં કરી ધમાલ

પ્રવાસીઓ લૉબીમાં પોણોથી એક કલાક ઊભા રહ્યા હતા

મુંબઈ : ક્રિસમસ વેકેશન હોવાથી લોકો મોટી સંખ્યામાં ફરવા જઈ રહ્યા હોવાથી મુંબઈ ઍરપોર્ટ પર ભારે ભીડ જોવા મળે છે. ગઈ કાલે મુંબઈથી સવારે સાડાઆઠ વાગ્યે ભુવનેશ્વર જનારી ફ્લાઇટના પૅસેન્જરો સાડાત્રણથી ચાર કલાક ઍરપોર્ટ પર પરેશાન થતા જોવા મળ્યા હતા. પૅસેન્જરોના કહેવા પ્રમાણે ફ્લાઇટ સવારે સાડાઆઠ વાગ્યાની હતી, પરંતુ તેમને ફ્લાઇટની અંદર જવા દેવામાં આવ્યા નહોતા. પૅસેન્જરોના હંગામા બાદ તેમને ફ્લાઇટની અંદરની બાજુએ જવા દીધા હતા, પરંતુ લૉબીમાં ઊભા રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ પણ ફ્યુઅલ ભરાશે પછી ફ્લાઇટ ટેક-ઑફ થશે એવું કહીને ફ્લાઇટની અંદર પણ બેસાડી રાખવામાં આવ્યા હતા. 

અમે બેસી-બેસી પરેશાન થઈ ગયા હતા એમ કહેતાં થાણેમાં રહેતા આનંદ કાંબળેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગઈ કાલે હું સવારે ૮.૩૦ વાગ્યાની ફ્લાઇટથી ભુવનેશ્વર જવાનો હતો. આ ફ્લાઇટ પકડવા સવારે પાંચ વાગ્યે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ સવારે બાર વાગ્યા પછી પણ ફ્લાઇટ ક્યારે ઊપડશે એ જણાવવામાં આવ્યું નહોતું. ફ્લાઇટ મુંબઈ ઍરપોર્ટ પર જ હતી અને કેટલો સમય લાગશે એ યોગ્ય રીતે જણાવવામાં આવતું નહોતું. અંતે સાડાઆઠ વાગ્યાની ફ્લાઇટ સવાબાર વાગ્યે ઊપડી હતી. બેસી-બેસીને કંટાળી જતાં અને કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતાં પૅસેન્જરોએ હંગામો કરતાં બોર્ડિંગ શરૂ કરી દીધું હતું. અમને ત્યાંથી જવા દીધા અને લૉબીમાં અમે પોણો કલાકથી એક કલાક ઊભા રહ્યા હતા. ત્યાર બાદ પૅસેન્જરો ખૂબ ગસ્સો કરવા લાગ્યા એટલે ફ્લાઇટમાં બેસાડી દીધા હતા. ફ્લાઇટમાં બેસાડ્યા બાદ પણ ફ્યુઅલ ભરવામાં આવ્યા બાદ ફ્લાઇટ ટેક-ઑફ કરશે એ‍વું કહેવાયું હતું. અમને પહેલાં કોઈએ કહ્યું કે વેધરને કારણે ફ્લાઇટ મોડી છે તો અમુકે કહ્યું કે રિપ્લેસ કરવા ટીમ નહોતી. એક વ્યક્તિની તો ભુનેશ્વરમાં બપોરે સાડાબાર વાગ્યે મીટિંગ હતી અને ફરીથી એ જ સાંજની ફ્લાઇટ હતી. તેની બન્ને ફ્લાઇટ નકામી ગઈ હતી. અમદાવાદથી આવેલી એક મહિલા પણ અનેક સ્થળેથી પ્રવાસ કરીને આવી રહી હતી અને ફ્લાઇટ ઊપડવાનો સમય થયો હોવા છતાં એ મુંબઈથી ઊપડી નહોતી. ભાંગી પડેલી વ્યવસ્થાને કારણે પ્રવાસીઓની ખૂબ જ કફોડી હાલત થઈ હતી.’ 

mumbai news maharashtra news mumbai airport