બિશ્નોઈ ગૅન્ગનો મૂળ પ્લાન વસઈની શ્રદ્ધા વાલકરના હત્યારા આફતાબ પૂનાવાલાને પતાવી દેવાનો હતો

15 November, 2024 06:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ પ્લાન સફળ ન થયો એટલે બાબા સિદ્દીકીને ટાર્ગેટ કરવામાં આવ્યાં

આફતાબ પૂનાવાલા

બાબા સિદ્દીકી મર્ડરકેસમાં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ, ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS) અને ઉત્તર પ્રદેશની સ્પેશ્યલ ટાસ્ક ફૉર્સ (STF)ના અધિકારીઓની ટીમે ૧૦ નવેમ્બરે ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં નેપાલ બૉર્ડર પાસેના નાનાપુરા ગામમાંથી કેસના મુખ્ય આરોપી શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવાને અને તેને નેપાલ ભગાવવાનો પ્લાન બનાવી રહેલા તેના ત્રણ સાગરીતોને ઝડપી લીધા હતા. જોકે ક્રાઇમ બ્રાન્ચ, ATS અને અકોલાની અકોટ પોલીસે આ પહેલાં શુભમ લોણકરની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. બાબા સિદ્દીકીની હત્યાના કેસના મુખ્ય સૂત્રધાર ​પુણેના શુભમ લોણકર પાસે બાબા સિદ્દીકીની હત્યાનો પ્લાન તો સેકન્ડ ચૉઇસ હતો. બિશ્નોઈ ગૅન્ગે તેને મૂળ તો વસઈની શ્રદ્ધા વાલકરની હત્યામાં સંડોવાયેલા દિલ્હીના તેના બૉયફ્રેન્ડ આફતાબ પૂનાવાલાની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું. આફતાબને સાકેત કોર્ટમાં લાવવામાં આવે ત્યારે તેની હત્યા કરવાનો પ્લાન હતો, પણ જ્યારે એ પ્લાન વર્કઆઉટ ન થયો ત્યારે બિશ્નોઈ ગૅન્ગે બાબા સિદ્દીકીની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું અને શુભમ લોણકરને એ કામ સોંપ્યું હતું.

શુભમ લોણકરને મૂળ તો આર્મીમાં જવું હતું. તેણે એ માટે ૨૦૧૮માં પરીક્ષા પણ આપી હતી, પણ એમાં તે ફેલ થયો હતો. એ પછી તે લૉરેન્સ બિશ્નોઈથી પ્રભાવિત થયો અને તેણે બળાત્કારીઓને મારી નાખી સમાજને સાફ કરવા માટે ‘બલાત્કારી લોગ’ નામનું એક વૉટ્સઍપ-ગ્રુપ બનાવ્યું હતુ. શુભમ ત્યાર બાદ લૉરેન્સના ભાઈ અનમોલના સીધા સંપર્કમાં આવ્યો અને એ પછી તેણે અઝરબૈજાન અને નેપાલમાં અદ્યતન વેપન ચલાવવાની તાલીમ લીધી હતી. એ પછી તેને આફતાબની હત્યાની સુપારી અપાઈ હતી. જોકે એ વખતે તેને ટ્રેઇન્ડ શૂટર્સ નહોતા મળી રહ્યા એટલે એ પ્લાન પોસ્ટપોન કરવો પડ્યો. દરમ્યાન બિશ્નોઈ ગૅન્ગે તેને બાબા સિદ્દીકીની હત્યાની સુપારી આાપી હતી.

mumbai news mumbai baba siddique lawrence bishnoi Crime News crime mumbai crime news murder case