19 April, 2024 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નારાયણ raane
મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિમાં મુંબઈ નૉર્થ વેસ્ટ, મુંબઈ નૉર્થ સેન્ટ્રલ, મુંબઈ સાઉથ, થાણે, પાલઘર, નાશિક, ઔરંગાબાદ અને રત્નાગિરિ-સિંધુદુર્ગ વગેરે આઠ બેઠકોનો નિર્ણય લેવાનો બાકી હતો એમાં ગઈ કાલે કોંકણની રત્નાગિરિ-સિંધુદુર્ગ બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ઉમેદવારી જાહેર કરવામાં આવી હતી. કોંકણના વતની અને એકનાથ શિંદે જૂથના કૅબિનેટપ્રધાન ઉદય સામંતે ગઈ કાલે આ જાહેરાત કરી હતી. આ બેઠકમાં ઉદય સામંતના સગા ભાઈ કિરણ સામંત ચૂંટણી લડવા માટે આગ્રહ રાખી રહ્યા હતા, પણ તેમને મનાવી લેવામાં આવ્યા છે.કૅબિનેટ પ્રધાન ઉદય સામંતે ગઈ કાલે લોકસભાની બેઠક માટે નારાયણ રાણેની ઉમેદવારી જાહેરાત કરવા માટે પ્રેસ-કૉન્ફરન્સ બોલાવી ત્યારે તેમની સાથે ભાઈ કિરણ સામંત પણ હતા.
કોંકણની રત્નાગિરિ-સિંધુદુર્ગ લોકસભાની બેઠક અનેક વર્ષોથી શિવસેના પાસે જ છે. છેલ્લી બે ટર્મમાં અહીંથી શિવસેનાના વિનાયક રાઉત સંસદસભ્ય છે. BJP સાથેની યુતિમાં તેઓ અહીંથી વિજયી થયા હતા. જોકે શિવસેનાના ભાગલા પડ્યા બાદ હવે પરિસ્થિતિ બદલાઈ છે અને અહીં બાળ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાને મોટી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા નારાયણ રાણે હવે BJPમાં છે. પક્ષમાં સામેલ થયા બાદ BJPએ તેમને રાજ્યસભામાં મોકલ્યા હતા અને અત્યારે તેઓ કેન્દ્રીય લઘુ ઉદ્યોગ વિભાગના કેન્દ્રીય પ્રધાન છે. શિવસેનામાં ભાગલા પડ્યા બાદ અહીંના અત્યારના સંસદસભ્ય વિનાયક રાઉત ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે રહ્યા છે અને તેમને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી આપવામાં આવી છે એટલે નારાયણ રાણેનો તેમની સાથે મુકાબલો થશે. આ બેઠક પર ૨૦૦૯માં નારાયણ રાણેના મોટા પુત્ર નીલેશ રાણે કૉન્ગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈને લોકસભામાં પહોંચ્યા હતા.