અમે રાહ જોવા તૈયાર છીએ: અજિત પવાર

10 June, 2024 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅબિનેટ દરજ્જાનું પ્રધાનપદ ન મળતાં NCPના પ્રધાને પ્રધાનમંડળમાં જોડાવાનું ટાળ્યું

અજીત પવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ગઈ કાલે ત્રીજી શપથવિધિ યોજાઈ હતી એમાં મહારાષ્ટ્રની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ને સત્તાધારી નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)માં સાથે હોવા છતાં કોઈ પ્રધાનપદ નહોતું આપવામાં આવ્યું. પક્ષના નેતા પ્રફુલ પટેલ અને પક્ષના મહારાષ્ટ્રના પ્રદેશાધ્યક્ષ અને મહારાષ્ટ્રના એકમાત્ર ચૂંટાઈ આવેલા સંસદસભ્ય સુનીલ તટકરે વચ્ચે કૅબિનેટ પ્રધાનપદ મેળવવા માટે વિવાદ થયો હોવાની ગઈ કાલે ચર્ચા શરૂ થઈ હતી. NCPના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે આ વિશે કહ્યું હતું કે ‘અમારા પક્ષમાં પ્રધાનપદ બાબતે કોઈ વિવાદ નથી. અમિત શાહ અને જે. પી. નડ્ડા સાથે અમારી બેઠક થઈ છે. પ્રફુલ પટેલ અગાઉ કેન્દ્ર સરકારમાં કૅબિનેટ પ્રધાન તરીકે કામ કરી ચૂક્યા છે, જ્યારે અમને સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યકક્ષાનું પ્રધાનપદ ઑફર કરવામાં આવ્યું હતું એ યોગ્ય ન લાગ્યું. આથી અમે ભારતીય જનતા પાર્ટીને કહ્યું છે કે અમે કેટલોક સમય રાહ જોવા તૈયાર છીએ, પણ કૅબિનેટ પ્રધાનપદ તો જોઈશે જ. અમે NDA સાથે જ છીએ અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં પણ સાથે જ રહીશું. આજે અમારી પાસે લોકસભા અને રાજ્યસભામાં એક-એક સંસદસભ્ય છે, પણ આગામી બે-ત્રણ મહિનામાં રાજ્યસભામાં અમારા ત્રણ સંસદસભ્ય હશે અને સંસદમાં પણ સંખ્યા ચાર થઈ જશે. આથી અમને એક કૅબિનેટ મંત્રાલય આપવું જોઈએ.’

mumbai news mumabi ajit pawar national democratic alliance bharatiya janata party