07 April, 2024 10:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઓમરાજે નિમ્બાળકર અને અર્ચના પાટીલ
શરદ પવારના ગઢ બારામતીમાં પહેલી વખત નણંદ સુપ્રિયા સુળે અને ભાભી સુનેત્રા પવાર વચ્ચે લોકસભાની ચૂંટણીમાં લડત થવાની છે ત્યારે ધારાશિવમાં પણ એક જ પરિવારની બે વ્યક્તિ સામસામે ચૂંટણી લડવા મેદાનમાં ઊતરી છે. ધારાશિવ લોકસભા બેઠક પરથી અજિત પવાર જૂથની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ ભારતીય જનતા પાર્ટી (BJP)ના તુળજાપુરના વિધાનસભ્ય રાણા જગજિતસિંહ પાટીલનાં પત્ની અર્ચના પાટીલને ઉમેદવારી આપી છે તો તેમની સામે તેમના જ પરિવારના સંસદસભ્ય ઓમરાજે નિમ્બાળકરને ઉદ્ધવ ઠાકરે જૂથે ફરી ઉમેદવારી આપી છે. આથી ઉદ્ધવ ઠાકરે જૂથના ગઢ ગણાતા ધારાશિવમાં આ વખતે દિયર ઓમરાજે નિમ્બાળકર અને ભાભી અર્ચના પાટીલ વચ્ચે મુકાબલો જોવા મળશે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ઓમરાજે નિમ્બાળકરે અર્ચના પાટીલના પતિ રાણા જગજિતસિંહ પાટીલને હરાવ્યા હતા. જોકે એ સમયે ચૂંટણી શિવસેનાએ BJP સાથેની યુતિમાં લડી હતી. હવે સમીકરણો બદલાઈ ગયાં છે એટલે લડાઈ રોમાંચક બની રહેશે.