02 April, 2024 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરસાદી માહોલની પ્રતીકાત્મક તસવીર
મુંબઈ મહાનગરપાલિકાએ વધારાનાં ૬૦ ઑટોમૅટિક વેધર સ્ટેશન (AWS) લગાવી દીધાં હોવાથી હવે આવાં સ્ટેશનોની સંખ્યા વધીને ૧૨૦ થઈ ગઈ છે. આ સ્ટેશનો વરસાદ, તાપમાન, હ્યુમિડિટી અને પવનની દિશા જેવી વિગતો એકઠી કરશે અને મુંબઈના સિવિક ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના પોર્ટલ પર દર ૧૫ મિનિટે એને અપડેટ કરવામાં આવશે. આમ મુંબઈગરાઓને વેધરની લેટેસ્ટ જાણકારી મળી શકશે.
અગાઉ આવાં ૬૦ AWS પાલિકાની વૉર્ડ-ઑફિસો અથવા ફાયર-બ્રિગેડ સ્ટેશનોમાં લગાવવામાં આવ્યાં હતાં. મહાનગરપાલિકાના વરલીમાં આવેલા ડેટા સેન્ટર સાથે આવાં AWS
જોડાયેલાં છે.
વરસાદની યોગ્ય જાણકારી મેળવવા માટે બીજાં ૯૭ AWS ઊભાં કરવાં જોઈએ એવી ભલામણ નૅશનલ સેન્ટર ફૉર કોસ્ટલ રિસર્ચ દ્વારા કરવામાં આવી હતી. જોકે આર્થિક અને સુરક્ષાના મુદ્દે સુધરાઈએ ૬૦ AWS ઊભાં કર્યાં છે. આવાં AWS સ્કૂલ, રેસિડેન્શિયલ સોસાયટી અને હૉસ્પિટલોમાં ઊભાં કરાયાં છે. એક AWS ઊભું કરવા માટે આશરે ૭ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જે કૉન્ટ્રૅક્ટરે આ AWSને ઇન્સ્ટૉલ કર્યાં છે તે ત્રણ વર્ષ માટે એનું અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ પોર્ટલનું મેઇન્ટેન્સ કરશે.
આ AWS દાદર વેસ્ટમાં ગોખલે રોડ, ખાર દાંડા પમ્પિંગ સ્ટેશન, અંધેરી વેસ્ટમાં વર્સોવા અને જોગેશ્વરી વેસ્ટમાં પ્રતીક્ષાનગર સ્કૂલ સહિતની જગ્યાઓમાં ઊભાં કરાયાં છે.