04 May, 2023 09:55 AM IST | Mumbai | Rohit Parikh
બાંદરા ટર્મિનસ પર શરૂ થયેલા ટોલને પાછો ખેંચવા માટે કચ્છ પ્રવાસી સંઘ અને શિવસેનાના સાઉથ સેન્ટ્રલ મુંબઈના સંસદસભ્ય રાહુલ શેવાળેનો પત્ર.
મુંબઈ : મુંબઈનાં સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાંના એક બાંદરા ટર્મિનસને પ્રવેશ અને બહાર નીકળવા માટે અનુકૂળ બનાવવા માટે પશ્ચિમ રેલવેએ બાંદરા સ્ટેશન પર ઍક્સેસ કન્ટ્રોલ્ડ પાર્કિંગની સુવિધા શરૂ કરી છે. આનાથી ખાનગી વાહનોમાં સ્ટેશન પર આવતા મુસાફરોને મોટી સુવિધા મળશે એવો વેસ્ટર્ન રેલવેનો દાવો છે. જોકે આ સુવિધા શરૂ કર્યા પછી બાંદરા ટર્મિનસથી બહારગામની ટ્રેનો પકડવા જતા મુસાફરોની હાલાકી વધી છે એવી ફરિયાદ રેલવેના મુસાફરો કરી રહ્યા છે. આ મુસાફરો કહે છે કે આ સુવિધા શરૂ થયા પછી કૂલીઓ તથા ટૅક્સી અને રિક્ષા-ડ્રાઇવરોની દાદાગીરી અને લૂંટમાં વધારો થયો છે. બાંદરા ટર્મિનસની મુલાકાત લીધા પછી બાંદરા ટર્મિનસ પર શરૂ થયેલા ટોલનાકાનો કચ્છ પ્રવાસી સંઘે પણ જોરદાર વિરોધ કર્યો છે. આ સંસ્થાએ તો બાંદરા ટર્મિનસની ટોલ શરૂ થયા પછીની પૅસેન્જરોની પરિસ્થિતિનો સોશ્યલ મીડિયા પર વિડિયો પણ વાઇરલ કરીને લોકોમાં જાગરૂકતા ફેલાવવાની પહેલ કરી છે. આ સંસ્થાને પગલે શિવસેનાના સાઉથ સેન્ટ્રલ મુંબઈના સંસદસભ્ય રાહુલ શેવાળેએ પણ વિરોધ કરીને વેસ્ટર્ન રેલવેના જનરલ મૅનેજરને ટોલ એટલે કે એન્ટ્રન્સ-ફીને પાછી ખેંચવાનો અનુરોધ કર્યો છે.
પશ્ચિમ રેલવેએ સ્ટેશન પર ઍક્સેસ કન્ટ્રોલ્ડ પાર્કિંગ સુવિધા અંતર્ગત પાર્કિંગ સુવિધામાં ‘મેકૅનાઇઝ્ડ બૂમ બૅરિયર સિસ્ટમ’ની સ્થાપના સાથે નિયંત્રિત પ્રવેશ અને બહાર નીકળવા માટે આધુનિક સિસ્ટમ અપનાવી છે. નિયુક્ત ‘પિક-અપ’ અને ‘ડ્રૉપ’ સ્ટેશન બિલ્ડિંગની નજીક મુસાફરો માટે પૉઇન્ટ્સ બનાવવામાં આવ્યા છે. હિલચાલની સરળતા સુનિશ્ચિત કરવા અને સ્ટેશનના પરિસરને ભીડમુક્ત બનાવવા માટે ઑટો, ટૅક્સી અને ખાનગી વાહનો માટે અલગ-અલગ લેન બનાવવામાં આવી છે. તમામ પ્રકારનાં વાહનો માટે પૂરતી પાર્કિંગ જગ્યા ઉપરાંત મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પાર્કિંગ વિસ્તારમાં રાઉન્ડ-ધ-ક્લૉક સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ સ્થાપવામાં આવી છે.
વેસ્ટર્ન રેલવેનો દાવો છે કે તેઓ મુસાફરોની મુસાફરીને સુખદ બનાવવા માટે એનાં સ્ટેશનો પર વધુ સારી સુવિધા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. બાંદરા ટર્મિનસ સ્ટેશન પર આ આધુનિક સુવિધા સાથે મુસાફરો તેમની મુસાફરીને અનુકૂળ અને સલામત બનાવી શકે છે. જોકે આ દાવો વાસ્તવિકતાથી ઘણો દૂર છે એમ જણાવીને થાણેના વેપારી જેનિલ વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાંદરા ટર્મિનસની નવી પાર્કિંગ સિસ્ટમ સંપૂર્ણપણે પૈસા કમાવાની બાબત છે. આ નવી સિસ્ટમ સાથે જો કોઈ વાહન પાંચ મિનિટથી વધુ અંદર હોય તો ૩૦ રૂપિયાથી લઈને ૧૦૦ રૂપિયા સુધી ચૂકવવા પડે છે. કોઈ પણ વ્યક્તિ માટે પાંચ મિનિટમાં સામાન સાથે કૅબમાંથી બહાર નીકળવું અશક્ય છે. જો તે વ્યક્તિ આ સમયને મૅનેજ કરી શકતી નથી તો તેણે ૩૦ રૂપિયાથી લઈને ૧૦૦ રૂપિયા સુધી ચૂકવવા પડશે. આ રૂપિયા તેણે તેના પૉકેટમાંથી આપવાના રહેશે, કારણ કે કૅબ-ડ્રાઇવર આ પૈસા ચૂકવવા બંધાયેલો નથી. જો ગ્રાહક ચુકવણી ન કરે તો કૅબ-ડ્રાઇવર કૅબને પાર્કિંગ ટોલ પહેલાં જ ઊભી રાખી દે છે. એથી મુસાફરને ટોલથી સામાન સાથે સ્ટેશન સુધી ચાલીને જવું પડશે. આ સંજોગોમાં કોઈ મહિલા તેનાં બાળકો સાથે કે કોઈ સિનિયર સિટિઝન હોય તો તેના માટે મૅનેજ કરવું અત્યંત મુશ્કેલીભર્યું બની જાય છે. પહેલાં તો કૅબના ડ્રાઇવરો માનવતાની રૂએ પણ સિનિયર સિટિઝનો અને મહિલાઓને સહાયરૂપ થતા હતા. નવા કાયદાથી તેઓ પણ તેમના હાથ ઊંચા કરી દેતા હોય છે. કૂલીઓ પણ મુસાફરોની આ નબળાઈનો પૂરો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ પણ મનસ્વીપણે મુસાફરો પાસેથી વધુ પૈસા વસૂલ કરી રહ્યા છે.’
આ બાબતનો પૅસેન્જરોને અનુભવ ૧૫ એપ્રિલના ‘મિડ-ડે’ના અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં પૅસેન્જરોએ સખત શબ્દોમાં કહ્યું હતું કે ‘વેસ્ટર્ન રેલવેએ શરૂ કરેલી આ એન્ટ્રન્સ-ફીને પૅસેન્જરોની હાલાકીની સાથે એક પ્રકારની લૂંટ હોવાનું જણાવ્યું હતું. આ એન્ટ્રન્સ-ફી શરૂ થયા પછી ટૅક્સીનાં ભાડાંમાં જબરો વધારો થયો છે અને કૂલીઓ પણ મનસ્વીપણે સામાન ફેરવવાના ચાર્જિસ વસૂલ કરી રહ્યા છે.’
બાંદરા ટર્મિનસ પર શરૂ થયેલા ટોલ પર ૧૫ એપ્રિલે ‘મિડ-ડે’માં પ્રસિદ્ધ થયેલો અહેવાલ.
બાંદરા ટર્મિનસની મુલાકાત કર્યા બાદ અમે આ ટર્મિનસ વાહનો પાસેથી વસૂલ કરવામાં આવતા ટોલ/એન્ટ્રન્સ ચાર્જિસનો વિરોધ કરીને આ બાબતમાં વેસ્ટર્ન રેલવેના જનરલ મૅનેજર અને રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને આ ચાર્જ પાછો ખેંચવાનો અનુરોધ કર્યો છે એમ જણાવીને કચ્છ પ્રવાસી સંઘના સક્રિય કાર્યકર નીલેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બાંદરા ટર્મિનસ પર આવતા પૅસેન્જરોની હાલાકી અને ટોલ અને એન્ટ્રન્સ-ફીના નામે ચાલી રહેલી લૂંટને પ્રત્યક્ષ અનુભવી હતી. એ જ સમયે અમે સોશ્યલ મીડિયામાં પૅસેન્જરોની જાગરૂકતા માટે અમારા અનુભવનો વિડિયો પણ વાઇરલ કર્યો હતો. ત્યાર પછી અમે વેસ્ટર્ન રેલવે પ્રશાસનને પત્ર લખીને જણાવ્યું હતું કે પાંચ જ મિનિટમાં ટોલ/એન્ટ્રન્સથી ટર્મિનસ પહોંચીને ત્યાં સામાન ઉતારવો/ચડાવવો એ શક્ય નથી. આને કારણે અનેક વાહનો ટોલ સુધી જ પૅસેન્જરોને મૂકીને જાય છે. ટોલનાકાથી પૅસેન્જરોએ તેમનો સામાન ઊંચકીને જવું પડે છે અથવા તો કૂલીઓને મોંમાગ્યા ચાર્જ ચૂકવવા પડે છે. આનાથી પૅસેન્જરોની બાંદરા ટર્મિનસ પર હાલાકી વધી છે. અમને કશેય પણ વેસ્ટર્ન રેલવે પ્રશાસનનો ઉદ્દેશ પૂરો થતો નજરમાં આવ્યો નહોતો. આ સંજોગોમાં વેસ્ટર્ન રેલવે પ્રશાસને તાત્કાલિક આ ટોલ/એન્ટ્રન્સ-ફીને પાછી ખેંચી લેવી જોઈએ.’
મને કચ્છ પ્રવાસી સંઘ તરફથી બાંદરા ટર્મિનસ પર વસૂલ કરવામાં આવી રહેલા ટોલની માહિતી મળી હતી એમ જણાવતાં શિવસેનાના સાઉથ સેન્ટ્રલ મુંબઈના સંસદસભ્ય રાહુલ શેવાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કચ્છ પ્રવાસી સંઘનો પત્ર મળતાં મેં તરત જ વેસ્ટર્ન રેલવેના જનરલ મૅનેજરને પત્ર લખીને બાંદરા ટર્મિનસ પર વસૂલ કરવામાં આવી રહેલા ટોલને પાછો ખેંચવાનો અનુરોધ કર્યો છે. આ મુદ્દે હું રેલવે બોર્ડને પણ પત્ર લખીને તેનો વિરોધ કરવાનો છું.’