ન્યૂઝ શોર્ટમાં : મહા વિકાસ આઘાડીની ઠેકડી ઉડાડી મહાયુતિએ

30 June, 2024 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેનું નામ જાહેર કરવા સામે મહા વિકાસ આઘાડીમાં અંદરોઅંદર ગજગ્રાહ શરૂ થઈ ગયો છે

બેનર સાથે એકનાથ શિંદેની શિવસેનાના નેતાઓ

વિધાનસભાની આગામી ચૂંટણી માટે મુખ્ય પ્રધાન તરીકે ઉદ્ધવ ઠાકરેનું નામ જાહેર કરવા સામે મહા વિકાસ આઘાડીમાં અંદરોઅંદર ગજગ્રાહ શરૂ થઈ ગયો છે. આ ગજગ્રાહની ઠેકડી ઉડાડતું બૅનર ગઈ કાલે વિધાનભવનમાં એકનાથ શિંદેની શિવસેનાના નેતાઓ લઈ આવ્યા હતા.

ઝૂંપડા પર દીવાલ પડતાં બાળકીનું મોત

વરસાદને કારણે નબળી પડી ગયેલી દીવાલ ઝૂંપડા પર તૂટી પડતાં આઠ વર્ષની એક બાળકીનું મૃત્યુ થયું હતું. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ જણાવ્યું હતું કે એન. એમ. જોશી માર્ગ પરના દીપક સિનેમા પાસે આ ઘટના ગઈ કાલે સાંજે ૫.૫૨ વાગ્યે બની હતી. એક ગાળાની દીવાલ તૂટીને બાજુના ઝૂંપડા પર પડી હતી. દુર્ઘટનામાં ૮ વર્ષની બાળકી રેણુકા કળસકર અને ૬૫ વર્ષનાં જયશ્રી ગૌતમ પવાર ઘાયલ થયાં હતાં. બન્નેને કેઈએમ હૉસ્પિટલ લઈ જવાયાં હતાં, જ્યાં સારવાર દરમ્યાન રેણુકાનું મૃત્યુ થયું હતું અને જયશ્રી પવારની કન્ડિશન સ્ટેબલ હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું.

મુંબઈ સેન્ટ્રલના બેલાસિસ બ્રિજ પર તોડકામ થયું શરૂ

મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનને અડીને આવેલા ૧૨૭ વર્ષ જૂના બેલાસિસ બ્રિજ પર તોડકામ શરૂ કરવામાં આવ્યુંં છે. આ બ્રિજને તોડીને એની જગ્યાએ નવો બ્રિજ બનાવવામાં આવશે. આ જ કારણસર એને ૧૮ મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો છે. દક્ષિણ મુંબઈના મહત્ત્વના બ્રિજમાંના એક એવા આ બ્રિજને બંધ કરી દેવાથી મોટરિસ્ટોને હેરાનગતિ થઈ રહી છે તેમ જ ટ્રાફિકની પણ સમસ્યા વધી ગઈ છે. 

અમે તમારી સેવામાં ખડેપગે

ગઈ કાલે અનંતનાગમાં અમરનાથ યાત્રા માટે જઈ રહેલી એક મહિલાને ઑક્સિજન આપતો સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સનો જવાન.

ગુટકા ન આપ્યા એટલા ખાતર ત્રણ સગીરોએ ૧૭ વર્ષના ટીનેજરની  છરીના ઘા મારી હત્યા કરી નાખી

મુલુંડ-વેસ્ટમાં શુક્રવાર સાંજે યોગી હિલ પર વૉટરફૉલ જોવા આવેલા ભાંડુપના ૧૭ વર્ષના મોહમ્મદ હુસેન ખાને ગુટકા આપવાનો ઇનકાર કરતાં ત્રણ સગીરોએ તેની છરીના ઘા મારીને હત્યા કરી હોવાની ફરિયાદ મુલુંડ પોલીસે નોંધીને હત્યા કરનાર સગીરોની આશરે ૬ કલાકમાં ધરપકડ કરી હતી. થાણેમાં રહેતા આ ત્રણેય જણને ડોંગરી ચિલ્ડ્રન રિમાન્ડ હોમ ખાતે મોકલી આપ્યા છે.

ભારે વરસાદથી ભિવંડીમાં છત તૂટતાં એક જણનું મોત

ભારે વરસાદને કારણે ભિવંડીના નારપોલીમાં શુક્રવારે બપોરે ૧૨ વાગ્યે એક રૂમની છત અને દીવાલ તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું. મૂળ બિહારના સીતામઢીનો વિમલ સહા નારપોલીમાં રહેતો હતો. ભાર વરસાદને કારણે તેની રૂમની છત અને દીવાલ તૂટી પડતાં તે એના કાટમાળ નીચે દટાઈ ગયો હતો.

સાળંગપુરના હનુમાનદાદાના સિંહાસનની આસપાસ લાલ-પીળી ખારેકનો શણગાર

ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગઈ કાલે શનિવારે હનુમાનજીદાદાના સિંહાસનની આસપાસ 
લાલ-પીળી ખારેકનો શણગાર કરવામાં આવ્યો હતો.

mumbai news mumbai maha vikas aghadi uddhav thackeray monsoon news mumbai monsoon