ગેરકાયદે બાંધકામ સામેની કાર્યવાહીમાં ગુજરાતી વેપારીની ૪૬ વર્ષ જૂની ફૅક્ટરી પણ તોડી નાખી

30 June, 2024 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મીરા-ભાઈંદરમાં બે દિવસથી સ્થાનિક સુધરાઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મીરા રોડના હાટકેશ ઉદ્યોગનગરમાં સુધરાઈએ કરેલું તોડકામ.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આખા રાજ્યમાં પબ-બાર સહિત તમામ પ્રકારના ગેરકાયદે ચાલતા ધંધા સામે કાર્યવાહી કરવાનો આદેશ આપતાં મીરા-ભાઈંદરમાં બે દિવસથી સ્થાનિક સુધરાઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે શુક્રવારે સવારના ૬ વાગ્યે એક ગુજરાતી વેપારીના ૪૬ વર્ષ જૂના કાયદેસર ઇન્ડસ્ટ્રી પ્લૉટના બાંધકામને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના તોડી પાડવા સામે વેપારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ચોંકાવનારી વાત એ છે કે આ વેપારીઓ  મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનરને આ સંબંધે મળ્યા ત્યારે તેમણે કાર્યવાહી કરવાનો કોઈ આદેશ ન આપ્યો હોવાનું કહ્યું હતું. આથી સવાલ ઊભો થયો છે કે તો આ તોડકામ કોણે કર્યું અને કોના કહેવાથી કરવામાં આવ્યું?

મીરા રોડ-ઈસ્ટમાં મીરા-ભાઈંદર રોડ નજીકમાં હાટકેશ ઉદ્યોગનગર આવેલું છે, જેમાં એફ-૩ નંબરના પ્લૉટમાં હર્ષ મુકુંદ ડોડિયાની ડી. એફ. ઇન્ડસ્ટ્રીઝ નામની ફૅક્ટરી છે. ૪૬ વર્ષ પહેલાં એટલે કે ૧૯૭૮માં ગ્રામપંચાયતની મંજૂરીથી હાટકેશ ઉદ્યોગનગરના ૭૫ પ્લૉટમાં હાટકેશ બિલ્ડર્સે બાંધકામ કર્યું હતું. વર્ષો પહેલાં નાખવામાં આવેલાં છાપરાં ખરાબ થઈ જતાં ૨૦૨૨માં હર્ષ ડોડિયાએ ​રિપેર કરવા માટેની સુધરાઈમાંથી મંજૂરી મેળવી હતી. અત્યારે નવાં છાપરાં નાખવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ ગઈ કાલે સવારના છાપરાંની સાથે જૂના બાંધકામને પણ તોડી નાખવામાં આવ્યું હતું.

નોટિસ વિના તોડકામ

હર્ષ ડોડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મીરા-ભાઈંદર મહાનગરપાલિકા પાસેથી છાપરાં બદલવાની પરવાનગી મેળવી હતી. અગાઉના બાંધકામમાં એક ઇંચનું પણ નવું બાંધકામ કરવામાં નથી આવ્યું. આમ છતાં અમારી જાણ વિના તોડકામ કરવામાં આવ્યું છે. ઝૂંપડું તોડતાં પહેલાં પણ જ્યાં નોટિસ આપવામાં આવે છે તો અહીં સુધરાઈએ અમને કાર્યવાહી કરવાની નોટિસ કેમ ન મોકલી? સમારકામ ચાલતું હતું એટલે અહીંની મશીનરી બીજી ફૅક્ટરીમાં શિફ્ટ કરવામાં આવી છે. નહીં તો અમને મોટું નુકસાન થઈ જાત. સુધરાઈના કમિશનર સંજય કાટકરને હું મળ્યો ત્યારે તેમણે તોડકામ કરવાનો આદેશ જ ન આપ્યો હોવાનું કહીને આ મામલે તપાસ કરવાનું કહ્યું છે.’

સુધરાઈ શું કહે છે?

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર સંજય કાટકરે હાટકેશ ઉદ્યોગનગરના પ્લૉટમાં કરવામાં આવેલા તોડકામની તપાસ કરવાનું કહ્યું છે. આ વિશે ડેપ્યુટી કમિશનર રવિ પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે પ્લૉટમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે એટલે તોડકામ કરવામાં આવ્યું હતું. જોકે પ્લૉટમાં ગેરકાયદે બાંધકામ કરવાના પુરાવા બાબતે અને નોટિસ મોકલ્યા વિના કેમ કાર્યવાહી કરવામાં આવી એવા સવાલનો જવાબ તેમણે નહોતો આપ્યો.

પ્લૉટ હડપવાનું રૅકેટ?

હાટકેશ ઉદ્યોગનગરની કમિટીના સેક્રેટરી પ્રતીક શેઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઇન્ડસ્ટ્રી ૧૯૭૮માં બનાવવામાં આવી ત્યારે અહીં કંઈ જ નહોતું. મુંબઈમાં રહેતા ગુજરાતી-મારવાડીઓએ અહીં કામકાજ શરૂ કર્યા બાદ અહીંનો વિકાસ થયો હતો. હવે આ જમીન કીમતી બની ગઈ છે અને મોટા ભાગની સોસાયટીઓ પાસે કન્વેયન્સ નથી એટલે લૅન્ડમાફિયા બિલ્ડર, સુધરાઈના અધિકારીઓ અને જમીનના મૂળ માલિકો સાથે મળીને જમીન હડપવાનું મોટું રૅકેટ ચલાવી રહ્યા છે. થોડા સમય પહેલાં પણ હાટકેશ ઉદ્યોગનગરના ત્રણ પ્લૉટનાં બાંધકામને આવી જ રીતે તોડી નાખવામાં આવ્યાં હતાં. વેપારીઓએ કોર્ટમાં લડત ચલાવીને તોડકામ ગેરકાયદે હોવાનો ચુકાદો મેળવ્યો હતો. ઇન્ડસ્ટ્રી હોય કે હાઉસિંગ સોસાયટી, કન્વેયન્સ કે ડીમ્ડ કન્વેયન્સ મેળવવું ખૂબ જ જરૂરી છે. અમે પણ ઘણા સમયથી ડીમ્ડ કન્વેયન્સ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પણ જમીન હડપવાનું રૅકેટ ચલાવી રહેલા લોકો દ્વારા કોઈ ને કોઈ અડચણ ઊભી કરીને સમય કાઢવામાં આવી રહ્યો છે.’

mumbai news mumbai eknath shinde mira bhayandar municipal corporation gujaratis of mumbai