મુંબઈમાં ગુલાબી ઠંડી વચ્ચે વરસાદની શક્યતા

08 January, 2024 08:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવામાન વિભાગે ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરતાં ઠંડી ગાયબ થશે

ધુમ્મસની વચ્ચે સવારે વિક્રોલીમાં મૉર્નિંગ વૉક માટે નીકળેલા લોકો. (સમીર માર્કન્ડે)

મુંબઈ ઃ આ શિયાળામાં શનિવારે મુંબઈમાં સૌથી નીચું ૧૭.૫ ડિગ્રી તાપમાન નોંધાતાં ગુલાબી ઠંડી અનુભવાઈ હતી. મુંબઈ અને આસપાસમાં ઠંડી નથી પડતી એટલે બધા આ ગુલાબી ઠંડીની મજા માણી રહ્યા છે ત્યારે આ ઠંડી ગાયબ થવાના સમાચાર છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે, જેને પગલે મુંબઈનું વાતાવરણ પણ વાદળછાયું રહેશે એટલે ઠંડી ગાયબ થઈ જશે. જોકે ગુરુવાર બાદ ફરી ઠંડીનો ચમકારો દેખાવાની શક્યતાના વેધશાળાએ વ્યક્ત કરી છે.

શનિવારે મુંબઈમાં પારો ૧૭.૫ જેટલો નીચો ઊતરી ગયો હતો. સામાન્ય સંજોગોમાં જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ૧૯ ડિગ્રીની આસપાસ તાપમાન હોય છે, પણ શનિવારે એકથી દોઢ ડિગ્રી તાપમાન ઓછું થઈ જતાં ઠંડી અનુભવાઈ હતી.

વેધશાળાનાં અધિકારી સુષમા નાયરના જણાવ્યા મુજબ ઉત્તર કોંકણ અને ઉત્તર ભારત તરફથી ફૂંકાઈ રહેલા પવનોને કારણે મુંબઈમાં શનિવારે તાપમાનમાં અચાનક ઘટાડો થયો હતો અને હવામાં ભેજનું પ્રમાણ પણ ઓછું રહ્યું હતું.

આગામી ત્રણ દિવસમાં વિદર્ભ સહિતના ભાગોમાં હવાનું હળવું દબાણ નિર્માણ થયું છે એટલે હળવો વરસાદ થઈ શકે છે. એની અસર મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં પણ થશે અને તાપમાનમાં વધારો થઈ શકે છે. આથી આટલા સમય સુધી મુંબઈમાંથી ઠંડી ગાયબ થઈ જશે. જોકે ત્યાર બાદ આકાશ સાફ થઈ જશે એટલે ફરી તાપમાનમાં ઘટાડો થશે. ૧૦ જાન્યુઆરી પછી ફરી ગુલાબી ઠંડીનો અનુભવ મુંબઈમાં થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે શનિવારે સાંતાક્રુઝમાં મિનિમમ તાપમાન ૧૭.૫ ડિગ્રી અને કોલાબામાં ૨૦ ડિગ્રી નોંધાયું હતું.

Weather Update mumbai weather mumbai news mumbai