23 August, 2024 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈગરાઓ છેલ્લા કેટલાક દિવસથી ભારે ગરમીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે તેમના માટે રાહતના સમાચાર છે. હવામાન ખાતાએ એવી આગાહી કરી છે કે આ વીક-એન્ડમાં મુંબઈમાં ધોધમાર વરસાદ આવી શકે છે. રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટર, મુંબઈનાં ડિરેક્ટર ડૉ. સુષમા નાયરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હાલ અરબી સમુદ્રમાં કર્ણાટક પાસે હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે જે ઉત્તર તરફ આગળ વધી રહ્યો છે. એથી આવનારા બે દિવસમાં એ મુંબઈ પાસેથી પસાર થશે અને એની અસરને કારણે શનિ-રવિમાં મુંબઈમાં જોરદાર વરસાદ આવી શકે.’
આજ અને આવતી કાલ માટે હવામાન ખાતાએ મુંબઈ અને થાણેમાં યલો અલર્ટ જ જાહેર કરી છે એટલું જ નહીં, મુંબઈમાં કેટલીક જગ્યાએ તો સોમવાર સુધી ભારે ગાજવીજ સાથે વરસાદનાં ભારે ઝાપટાં પડે એવી શક્યતા દર્શાવાઈ છે, જ્યારે રાયગડમાં તો આજથી ત્રણ દિવસ માટે ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે.