25 May, 2023 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ ઘાટકોપરનો બીએમસી સંચાલિત સ્વિમિંગ-પૂલ છેલ્લાં પાંચ વર્ષથી બંધ હોવાથી ઘાટકોપરના રહેવાસીઓ ચેમ્બુરના સ્વિમિંગ-પૂલમાં જવા મજબૂર છે. ચેમ્બુરના સ્વિમિંગ-પૂલમાં લોકો દૂર-દૂરથી આવતા હોવાથી ઇમર્જન્સી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે બહાર ઍમ્બ્યુલન્સ ઊભી રાખવામાં આવે એ માટે સભ્યોએ અનેક વખત માગણી કરી હતી, પરંતુ એના પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું એથી તાજેતરમાં ઘાટકોપર-વેસ્ટમાં ચિરાગનગરની સાવંતવાડીમાં નીલકંઠ નગરમાં રહેતા ૭૫ વર્ષના ગુજરાતી ભરત રાજને સ્વિમિંગ-પૂલમાં હાર્ટ-અટૅક આવતાં ત્યાંથી હૉસ્પિટલ લઈ જવા માટે રિક્ષાનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ બનાવ બાદ સ્વિમિંગ-પૂલના સભ્યો ભારે નારાજ હતા. એ પછી સભ્યોએ અહીં ઍમ્બ્યુલન્સ ઊભી રાખવા માટે રવિવારે સ્વિમિંગ-પૂલ વ્યવસ્થાપનને નિવેદનપત્ર સોંપ્યું હતું અને ભરત રાજના ફોટોના બૅનર સાથે પ્રદર્શન કર્યું હતું.
ચેમ્બુરમાં બીએમસી સંચાલિત જનરલ અરુણકુમાર વૈદ્ય તરણતળાવ નામના સ્વિમિંગ-પૂલમાં ભરત રાજ સાથે ઘાટકોપરનું તેમનું ૩૦થી ૪૦ ગુજરાતી મિત્રોનું ગ્રુપ દરરોજ સ્વિમિંગ માટે જાય છે. ચેમ્બુરનો બીએમસીનો સ્વિમિંગ-પૂલ સંભાળનાર અધિકારી અર્ચના દેશમુખે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સભ્યોએ મને નિવેદન આપ્યું છે અને એને સંબંધિત વિભાગમાં મોકલવામાં આવ્યું છે. અમે પ્રયત્ન કરી રહ્યાં છીએ કે જલદી ઍમ્બ્યુલન્સની સુવિધા લોકોને મળી રહે.’