14 September, 2024 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (FAM)ના પદાધિકારીઓએ GSTના કમિશનર આશિષ શર્મા સાથે બેઠક કરી હતી
મહારાષ્ટ્રના વેપારીઓની ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ને લગતી વિવિધ બાબતો માટે ગઈ કાલે ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (FAM)ના પદાધિકારીઓએ GSTના કમિશનર આશિષ શર્મા સાથે બેઠક કરી હતી જે સફળ રહી હતી. આ બેઠકમાં FAM દ્વારા કરાયેલી રજૂઆતને કમિશનર આશિષ શર્માએ ધ્યાન દઈને સાંભળી હતી એટલું જ નહીં, વેપારીઓ દ્વારા કરવામાં આવેલાં વિવિધ સૂચનો અને ભલામણોને GST કાઉન્સિલને મોકલી એ વિશે જણાવશે એવું આશ્વાસન પણ આપ્યું હતું. એની સાથે જ તેમણે વેપારીઓની સમસ્યાઓની તેમના અખત્યાર હેઠળ આવતી બાબતોનો ઉકેલ લાવવા આવી વધુ ને વધુ બેઠકો FAM સાથે યોજવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ મીટિંગમાં FAM તરફથી પ્રેસિડન્ટ જિતેન્દ્ર શાહ, આશિષ મહેતા, પ્રીતેશ શાહ, રસેશ દોશી અને જયંતી પટેલ હાજર રહ્યા હતા. અન્ય મહાનુભાવોમાં મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સ, ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ ઍગ્રિકલ્ચર (MCCIA)ના પ્રેસિડન્ટ લલિત ગાંધી અને ગ્રેન રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રેસિડન્ટ ભીમજી ભાનુશાલી પણ હાજર રહ્યા હતા.