​નારીશક્તિનો નવો આયામ

07 July, 2024 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બદલાપુરની હાઉસિંગ સોસાયટીનું મૅનેજમેન્ટ ૧૧ મહિલાઓના હાથમાં

કમિટી-મેમ્બર તરીકે આ ૧૧ મહિલાઓ ચૂંટાઈ

કેન્દ્ર સરકારના ગયા વર્ષે પાસ થયેલા નારી શક્તિ ઍક્ટને નજરમાં રાખીને બદલાપુરની રીડેવલપ થયેલી કવિતા રેસિડેન્સી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીનાં પ્રેસિડન્ટ, સેક્રેટરી અને ખજાનચી સહિત કમિટી-મેમ્બર તરીકે ૧૧ મહિલાઓને ચૂંટી કાઢવામાં આવી છે. હવે ઘર સાથે આ મહિલાઓ સોસાયટીનો કાર્યભાર પણ સંભાળશે.

રીડેવલપમેન્ટ બાદ ૨૪ મેમ્બર્સની આ સોસાયટીના સભ્યોએ નક્કી કર્યું હતું કે સોસાયટીનો કાર્યભાર હવે મહિલાઓ સંભાળશે. વળી આ મહિલાઓ એજ્યુકેટેડ છે અને એમાંની મોટા ભાગની મહિલાઓ જૉબ પણ કરે છે. જ્યોતિ ભાવસારને પ્રેસિડન્ટ, અર્ચના તાટકરને સેક્રેટરી અને પૂનમ રાજવાડેને ખજાનચી બનાવવામાં આવી છે. આ ત્રણેય મહિલાઓ કૉમર્સ ગ્રૅજ્યુએટ છે અને જૉબ પણ કરે છે. અન્ય કમિટી-મેમ્બરમાં દીપ્તિ કેતકર (બૅન્કર), કલ્પના બ્રાહ્મણકર (મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપનાં પ્રેસિડન્ટ અને એવાં ૨૬ સેલ્ફ હેલ્પ ગ્રુપનાં ગ્રામ સંઘનાં ખજાનચી), તેજલ ધનાવડે (M.Com) અને શુભાંગી દુતોંડે (B.Com)નો સમાવેશ છે. જ્યોતિ ધામણે અને તૃપ્તિ બનેએ ​નર્સિંગ કર્યું છે. ૭૫ વર્ષનાં પ્રતિભા જાડે અને ગંગા શર્માનો પણ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 
સોસાયટીનાં એક ઉચ્ચ અધિકારી મહિલાના પતિએ કહ્યું હતું કે ‘મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં આ કદાચ એવી પહેલી હાઉસિંગ સોસાયટી હશે જે માત્ર મહિલાઓ ચલાવતી હોય. સોસાયટીનું આ પગલું ઑલરેડી બદલાપુર અને આસપાસના વિસ્તારોમા ચર્ચાનો વિષય બની ગયું છે.’

mumbai news mumbai badlapur