પત્નીને પાઠ ભણાવવા ગયો એમાં પ​તિ પોતે જ ફસાયો

31 March, 2024 07:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દાદર અને કલ્યાણ સ્ટેશનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી, પણ પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજની મદદથી તેને પકડી પાડ્યો

આરોપી વિકાસ શુક્લા

તરછોડેલી પત્નીને પાઠ ભણાવવા માટે એક પ​તિએ વિચિત્ર માર્ગ શોધ્યો હતો. આ માથાભારે પતિએ દાદર અને કલ્યાણ રેલવે-સ્ટેશનને એકસાથે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી, પરંતુ નાલાસોપારાની પેલ્હાર પોલીસે માત્ર બે કલાકમાં જ આરોપીને શોધી કાઢ્યો હતો.

મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના કન્ટ્રોલ-રૂમ પર શુક્રવારે રાતે લગભગ ૧૧ વાગ્યાની આસપાસ એક કૉલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ દાદર અને કલ્યાણ રેલવે-સ્ટેશનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. એથી પોલીસતંત્ર અલર્ટ થયું હતું. આ ફોન ક્યાંથી આવ્યો છે એની તપાસ કરતાં એ નાલાસોપારા વિસ્તારમાંથી આવ્યો હોવાથી પેલ્હાર પોલીસે એની તપાસ શરૂ કરી હતી. પેલ્હાર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર વનકોટી અને સબ-ઇન્સ્પેક્ટર તુકારામ ભોપલેએ રાતોરાત ટેક્નિકલ વિશ્લેષણ કર્યા બાદ તપાસ શરૂ કરી હતી. એ પ્રમાણે આરોપીનો મોબાઇલ-નંબર મળ્યો હતો, પરંતુ એ સ્વિચ્ડ-ઑફ આવતો હતો. પોલીસને આ ફોનની માહિતી મળી ત્યારે ઓમ શિવસાંઈ ચાલ એટલું જ મળી રહ્યું હતું. પોલીસ-ટીમે ઓમ શિવસાંઈ નામની તમામ ચાલીને રાતોરાત શોધવાનું શરૂ કર્યું હતું. આ દરમ્યાન પોલીસે આ બધા વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજ પણ તપાસવાની શરૂઆત કરી હતી. ફુટેજમાં પોલીસને એક શંકાસ્પદ માણસ દેખાયો હતો. એનાથી પોલીસનું કામ સરળ બન્યું હતું અને પોલીસે તેની નાલાસોપારાના બિલાલપાડામાંથી ધરપકડ કરી હતી.

mumbai news mumbai vasai virar mira road bhayander mumbai crime news