07 January, 2025 06:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચીનમાં ઝડપથી ફેલાઈ રહેલા HMPV (હ્યુમન મેટાન્યુમોવાઇરસ)એ ભારતમાં પહેલાં બૅન્ગલોર અને ગઈ કાલે અમદાવાદમાં એન્ટ્રી મારી હતી. બૅન્ગલોરમાં બે અને અમદાવાદમાં આ વાઇરસથી સંક્રમિત એક દરદી મળી આવ્યો છે. આ વાઇરસ મહારાષ્ટ્રમાં ન ફેલાય એ માટે સરકારે ગઈ કાલે ઍડ્વાઇઝરી જાહેર કરી હતી, જેમાં રાજ્યના નાગરિકોની સાથે દરેક જિલ્લાના પ્રશાસનને ઍડ્વાઇઝરીનું યોગ્ય રીતે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.
રાજ્યના આરોગ્ય વિભાગના ડિરેક્ટર ડૉ. નીતિન અંબાડેકરે ગઈ કાલે કહ્યું હતું કે ‘આ એક સામાન્ય વાઇરસ છે જેનું સંક્રમણ થયા બાદ શરદી અને કફ થાય છે. રાજ્યમાં હજી સુધી આ વાઇરસનો કોઇ મામલો નથી નોંધાયો, પણ શરદી અને કફના દરદીઓ પર ચાંપતી નજર રાખવા માટે દરેક જિલ્લાના આરોગ્ય વિભાગને સતર્ક રહેવાનું કહી દેવામાં આવ્યું છે. રાજ્યના સાર્વજનિક આરોગ્ય વિભાગે શ્વસનના સંસર્ગના આંકડાનું વિશ્લેષણ કર્યું છે જેમાં ૨૦૨૩ની તુલનામાં ડિસેમ્બર ૨૦૨૪ના સમયમાં કોઈ વધારો ન થયો હોવાનું જણાયું છે. સાવચેતી તરીકે નાગરિકોએ શ્વસનના સંસર્ગથી બચવા માટે શું કરવું અને શું ન કરવું એની સૂચના જાહેર કરી છે.’
શું કરવું?
* ખાંસી કે છીંક આવે ત્યારે મોઢા પર રૂમાલ કે ટિશ્યુ રાખો
* પાણી, સાબુ કે સૅનિટાઇઝરથી હાથ વારંવાર ધુઓ
* તાવ, ખાંસી કે છીંક આવતાં હોય તો સાર્વજનિક જગ્યાએથી દૂર રહો
* ખૂબ પાણી પીઓ અને પૌષ્ટિક આહાર લો
* વાઇરસનું સંક્રમણ ઓછું કરવા માટે પૂરતા વેન્ટિલેશનનું ધ્યાન રાખો
શું ન કરવું?
* એકબીજા સાથે હાથ ન મિલાવવો
* ઉપયોગ કરેલા ટિશ્યુ પેપર કે રૂમાલ ફરી ન વાપરવા
* બીમાર લોકોથી દૂર રહેવું
* આંખ, નાક અને મોઢાને વારંવાર સ્પર્શ ન કરો
* સાર્વજનિક જગ્યાએ થૂંકવું નહીં
* ડૉક્ટરના કન્સલ્ટેશન સિવાય દવા ન લેવી
વાઇરસની કાલ્પનિક માહિતી ન આપતા : દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે HMPV વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ વાઇરસથી ગભરાવાની જરૂર નથી. પ્રાથમિક માહિતી મુજબ આ વાઇરસ નવો નથી. અગાઉ પણ આ વાઇરસ ફેલાયો હતો, જેણે ફરી દેખા દીધી છે. આ વાઇરસ સંબંધી કાલ્પનિક માહિતી કોઈ ન આપે. અધિકૃત હોય એ જ માહિતી આપવી.’