03 October, 2024 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહા વિકાસ આઘાડી (MVA)ના ત્રણેય પક્ષોના નેતાઓ
મહા વિકાસ આઘાડી (MVA)ના ત્રણેય પક્ષોના નેતાઓ ગઈ કાલે દાદરમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની દાદરમાં આવેલી ‘શિવાલય’ ઑફિસમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કયા પક્ષને કેટલી બેઠકો ફાળવવી એની ચર્ચા કરવા ભેગા થયા હતા. આ પહેલાં પણ ત્રણેય પક્ષના નેતાઓ આ મુદ્દે બેઠકો કરી ચૂક્યા છે પણ હજી તેમની વચ્ચે બેઠકોની ફાળવણીને લઈને સહમતી નથી થઈ.
ગઈ કાલની મીટિંગમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તરફથી સંજય રાઉત અને અનિલ દેસાઈ, કૉન્ગ્રેસ તરફથી એના રાજ્યના પ્રમુખ નાના પટોલે અને બાળાસાહેબ થોરાત તથા શરદ પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ તરફથી એના રાજ્ય એકમના પ્રમુખ જયંત પાટીલ હાજર રહ્યા હતા.
MVAની ત્રણ પાર્ટીમાં કૉન્ગ્રેસ અને ઉદ્ધવ સેના વચ્ચે મુંબઈ, વિદર્ભ અને મરાઠવાડાની અમુક બેઠકોને લઈને ખેંચતાણ ચાલી રહી છે. કૉન્ગ્રેસની ઇચ્છા વિદર્ભ અને મરાઠવાડામાં વધારે બેઠકો પર ચૂંટણી લડવાની છે અને એની સામે તેઓ ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને મુંબઈ અને કોંકણમાં વધારે બેઠકો આપવા તૈયાર છે પણ ઉદ્ધવ સેનાને વિદર્ભમાં વધારે બેઠકો જોઈતી હોવાથી તેમની વચ્ચે
બેઠક-ફાળવણીના મુદ્દે એકમત નથી થયો. જોકે ગઈ કાલની મીટિંગ બાદ ત્રણેય પાર્ટીઓના નેતાઓએ કહ્યું હતું કે ૯૦ ટકા બેઠકો પર અમારી સહમતી થઈ ગઈ છે અને દશેરા સુધીમાં કયો પક્ષ કેટલી અને કઈ બેઠકો પર લડશે એની સ્પષ્ટતા થઈ જશે.