કચ્છનાં વધુ ને વધુ ગામો જોડાતાં જાય છે રાષ્ટ્રધર્મના અભિયાનમાં

30 March, 2024 07:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કચ્છનાં વધુ ને વધુ ગામો જોડાતાં જાય છે રાષ્ટ્રધર્મના અભિયાનમાં

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ અને મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ મુંબઈના અનેક કચ્છી જૈન સંઘો/સમાજોએ મતદાન રાષ્ટ્રધર્મ છે એવો સંકલ્પ કરીને કચ્છમાં ૨૦ મેની આસપાસ યોજાયેલા તેમના કાર્યક્રમોમાં જવાનું કૅન્સલ કર્યું છે. આ રાષ્ટ્રધર્મ અભિયાનમાં હજી પણ અનેક કચ્છી જૈન સંઘો/મહાજનો જોડાવાનું અવિરત ચાલુ જ છે. અત્યાર સુધીમાં સાત ગામોના મહાજનોએ કચ્છનાં તેમનાં ગામોમાં યોજાયેલા દેરાસરના ધ્વજારોહણ કાર્યક્રમમાં જવાની તેમની ‌ટિકિટો કૅન્સલ કરાવીને આ પ્રસંગની જવાબદારી ગામના સ્થાનિક લોકોને સોંપી દીધી છે.

આપણે આપણા વ્ય‌ક્તિગત ધર્મને બદલે મતદાનનો રાષ્ટ્રધર્મ નિભાવીએ એ અભિયાનની સૌથી પહેલી શરૂઆત શ્રી ડોણ મૂર્તિપૂજક જૈન સંઘના મુંબઈના લોકોએ કરી હતી. તેમના આ ક્રાન્તિકારી પગલાનો અહેવાલ ‘મિડ-ડે’માં પ્રસિદ્ધ થતાં જ મુંબઈના શ્રી કચ્છી વીસા ઓસવાળ દેરાવાસી મહાજન અને શ્રી કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી મહાજને શ્રી ડોણ મૂર્તિપૂજક જૈન સંઘના પગલાને આવકારીને અન્ય સંઘોને પણ રાષ્ટ્રધર્મ નિભાવવાની અપીલ કરી હતી. એને પગલે કચ્છના મોટા આસંબિયા મહાજન, નાગ્રેચા મહાજન અને બાડા મહાજને પણ એમના ૨૦ મેની આસપાસ આવતા ધ્વજારોપણ પ્રસંગોની જવાબદારી સ્થા‌નિક સમાજના લોકોને સોંપી દીધી હતી.

આ ચાર મહાજનોની પહેલને જબરો પ્રતિસાદ મળ્યો હતો અને તેમના રાષ્ટ્રધર્મ અભિયાનમાં શ્રી કચ્છી વીસા ઓસવાળ દેરાવાસી લથેડી મહાજન, શ્રી‌ કાંડાગરા ગાલા ભાવિક સંઘ અને શ્રી તુંબડી જૈન શ્વેતાંબર દેરાસર પણ જોડાયાં હતાં. આ મહાજનોએ પણ આ ‌‌અભિયાનમાં જોડાવાની સૌને અપીલ કરતાં કહ્યું હતું કે આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રધર્મ પ્રત્યેની વિચારધારાનું ઉદાહરણ બનીએ અને મુંબઈમાં ૨૦ મેએ મતદાન કરવા હાજર રહીએ એ આપણી ફરજ છે. 

mumbai news mumbai maharashtra news kutchi community kutch jain community