12 December, 2024 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને BJPના મહારાષ્ટ્રના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે ગઈ કાલે દિલ્હીમાં રાજનાથ સિંહ અને નીતિન ગડકરી સાથે.
રાજ્યના મંત્રીમંડળના વિસ્તારનો મામલો ફરી એક વાર દિલ્હી દરબારમાં પહોંચ્યો છે. ગઈ કાલે બપોરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ રાજધાનીમાં પહોંચ્યા બાદ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પણ દિલ્હી પહોંચ્યા હતા, પણ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મુંબઈમાં જ હતા.
આ પહેલાં મંગળવારે મોડી રાતે ત્રણેય નેતાઓ વચ્ચે મુંબઈમાં મીટિંગ થઈ હતી એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે થાણે જઈને એકનાથ શિંદેને મળીને પણ આવ્યા હતા. આમ છતાં મંત્રીમંડળના વિસ્તારને લઈને મડાગાંઠ દૂર નહોતી થઈ.
ગઈ કાલે દિલ્હી ગયેલા દેવેન્દ્ર ફડણવીસ પહેલાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ત્યાર બાદ તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ મળ્યા હતા. અત્યારે મંત્રીમંડળના વિસ્તારને લઈને જાત-જાતની અટકળો ચાલી રહી છે અને એટલે જ મહાયુતિના નેતાઓએ દિલ્હી જવું પડ્યું છે. એકનાથ શિંદે દિલ્હી જશે કે નહીં એની કોઈ સ્પષ્ટતા તેમની કે તેમની પાર્ટી તરફથી કરવામાં નથી આવી.
ચાલી રહેલી અટકળો
સૌથી પહેલાં તો ત્રણેય પક્ષો વચ્ચે મિનિસ્ટ્રીને લઈને ખેંચતાણ ચાલી રહી છે એમાં BJP કોઈ પણ ભોગે શિવસેનાને ગૃહખાતું આપવા તૈયાર ન હોવાથી શિવસેના હવે એની સામે બે સન્માનજનક ખાતાં માગી રહી છે. બીજી બાજુ, એવું પણ કહેવાય છે કે BJPની ઇચ્છા તો રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનું ફાઇનૅન્સ અને શિવસેનાનું અર્બન ડેવલપમેન્ટ ખાતું પણ પોતાની પાસે રાખવાની છે.
અત્યારે BJPએ પોતાના સંભવિત પ્રધાનોની યાદી દિલ્હી મોકલાવી છે, પણ ત્યાંથી એના પર મંજૂરીની મહોર મારવામાં નથી આવી.
શિવસેના બધા વિધાનસભ્યોને તો પ્રધાનપદ આપી શકે એમ નથી એટલે એકનાથ શિંદેએ એક રસ્તો કાઢ્યો હોવાનું કહેવાય છે, જેમાં વિધાનસભ્યોને અઢી-અઢી વર્ષ પ્રધાનપદ આપવામાં આવશે. આ નિર્ણયને લીધે પાર્ટીના વિધાનસભ્યોમાં અસંતોષ ઓછો થઈ જશે એવી રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની ગણતરી છે.
એવું પણ કહેવાય છે કે શિવસેનાના વિધાનસભ્યોએ પોતાની જ પાર્ટીના પાંચ નેતાને મંત્રી બનાવવા સામે વાંધો લીધો છે જેમાં તાનાજી સાવંત, અબ્દુલ સત્તાર, સંજય રાઠોડ, દીપક કેસરકર અને ગુલાબરાવ પાટીલનું નામ હોવાનું કહેવાય છે. અત્યારે પાર્ટીમાં આને લઈને એકમત ન હોવાથી શિવસેનાએ પોતાનું લિસ્ટ પણ ફાઇનલ ન કર્યું હોવાનું કહેવાય છે. નોંધનીય વાત એ છે કે આ પાંચ નામમાંથી ત્રણ નામ સામે BJPને પણ વાંધો હોવાનું કહેવાય છે.
એક રિપોર્ટ મુજબ અત્યાર સુધી જેમ હતું એમ BJPના ૨૦, શિવસેનાના ૧૨ અને રાષ્ટ્રવાદીના ૧૦ વિધાનસભ્યો પ્રધાનપદના શપથ લેશે; પણ ત્રણેય પાર્ટી વચ્ચે ખાતાની વહેંચણી ન થઈ હોવાથી અત્યારે તો બધું અધ્ધરતાલ છે. બન્ને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવાર પણ અત્યારે ખાતા વગરના છે. આ જ કારણસર તેઓ મંત્રાલયમાં કોઈ મીટિંગ પણ નથી કરી રહ્યા.
એક શક્યતા એવી પણ છે કે નાગપુરમાં સોમવારથી શરૂ થનારા શિયાળુ સત્ર પહેલાં મંત્રીમંડળનું સીમિત વિસ્તરણ કરવામાં આવે.