29 April, 2023 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ નાલાસોપારામાં રહેતો પતિ રિસાઈ ગયેલી પત્નીને મનાવીને પાછી ઘરે લાવવા માટે સાસરે ગયો હતો. એ વખતે વાતચીત દરમ્યાન સાસુ-સસરા જમાઈ પર ઉશ્કેરાઈ ગયાં હતાં અને બન્નેએ ભેગાં મળીને જમાઈની મારઝૂડ કરી હતી. આ ઘટનામાં જમાઈને સ્થાનિક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરીને આઇસીયુમાં રાખવામાં આવ્યો છે. ધારદાર વસ્તુના મારને લીધે તેનો શોલ્ડર ડિસલૉકેટ થઈ જતાં સર્જરી કરીને રૉડ બેસાડવામાં આવ્યો હતો. આચોલે પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
નાલાસોપારા-ઈસ્ટના આચોલે રોડ પર આંબાવાડીની એક સોસાયટીમાં રહેતા અને કોટક મહેન્દ્ર બૅન્કમાં નોકરી કરતા ૨૯ વર્ષના અંકિત જયેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે ‘બે મહિના પહેલાં પત્ની શીતલ સાથે થયેલા વિવાદમાં તે પિયર જતી રહી હતી. તેને મનાવીને પાછી લાવવા માટે ૨૬ એપ્રિલે સવારે ૯ વાગ્યે હું મારા મામા ભરત રાવળ સાથે શીતલના ઘરે ગયો હતો. ત્યાં શીતલના પિતા કિશોર સિંઘલને શીતલને પાછી ઘરે લઈ જવાની વાત કરતાં સાસુ-સસરાએ મને માર માર્યો હતો. એ પછી સસરાએ મને બામ્બુ વડે માર્યો હતો. ત્યાર બાદ મામા અને આસપાસના લોકોની મદદથી મને હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યો હતો. ડૉક્ટરે આઇસીયુમાં ઍડ્મિટ કરીને શોલ્ડરનો એક્સ-રે કાઢતાં ડિસલૉકેટ થયો હોવાનું જણાયું હતું. એ પછી આ ઘટનાની જાણ આચોલે પોલીસને કરતાં પોલીસે હૉસ્પિટલમાં આવી મારું સ્ટેટમેન્ટ લીધું હતું અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધી હતી.’
અંકિત સોલંકીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું પત્નીને મનાવવા ગયો હતો, જ્યાં માત્ર વાતો થઈ રહી ત્યારે મારા સસરાએ અચાનક ગુસ્સામાં આવીને મારા પર હાથ ઉપાડ્યો હતો. એનો વિરોધ કરવા જતાં સાસુએ પણ મને માર માર્યો હતો. આ ઘટનામાં મને ગંભીર ઈજા થઈ છે. હું હૉસ્પિટલમાં છું.’
આચોલે પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. દરદી હૉસ્પિટલમાં હોવાથી તેનું ડિટેલ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે. તેને રજા મળતાં અમે વધુ તપાસ હાથ ધરીશું.’