12 October, 2024 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પત્નીની હત્યા કરનારો આરોપી પતિ નદીમ ખાન પોલીસ સાથે.
મીરા રોડના નયાનગર વિસ્તારમાં ગઈ કાલે બપોરે બાળકોને જોવા સ્કૂલે પહોંચેલી પત્નીના પેટમાં પતિએ ચાકુના ઘા મારીને ગળું ચીરી નાખીને જાહેરમાં હત્યા કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં ૩૬ વર્ષની પત્ની અમરીન ખાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેના ૩૨ વર્ષના પતિ નદીમ ખાનને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. અલગ રહેતાં પતિ-પત્નીનો બાળકોની કસ્ટડી વિશે ઝઘડો ચાલતો હતો અને કોર્ટે બાળકોની કસ્ટડી પત્નીને આપવાનો આદેશ આપ્યો હતો. આથી ઉશ્કેરાઈને પતિએ આ હુમલો કર્યો હોવાનું જણાયું હતું. કોર્ટના આદેશ બાદ પતિ પોતાની ઉપર હુમલો કરે એવી શક્યતા હતી એટલે પત્નીએ પોલીસનું પ્રોટેક્શન લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે પ્રોટેક્શન આપવામાં મોડું કરવાને લીધે તેનો જીવ ગયો હોવાનો આરોપ છે.
નયાનગર પોલીસના જણાવ્યા પ્રમાણે મીરા રોડમાં અમરીન તેના પતિ નદીમ ખાન સાથે રહેતી હતી. બન્નેને એક પુત્ર અને એક પુત્રી છે. થોડા મહિના પહેલાં પતિ-પત્ની વચ્ચે કૌટુંબિક વિવાદ થવાથી અમરીન તેના પિયરમાં જતી રહી હતી, જ્યારે તેનાં બાળકો તેના પતિ નદીમ ખાન પાસે હતાં. પતિ બાળકોને નહોતો સોંપતો એટલે અમરીને થાણેની કોર્ટમાં બાળકોનો તાબો લેવા માટે અરજી કરી હતી. કોર્ટે બે દિવસ પહેલાં બાળકોનો તાબો અમરીનને આપવાનો આદેશ આપ્યો હતો. આથી અમરીન ગુરુવારે તેના પતિ નદીમના ઘરે કોર્ટના બાળકોનો તાબો આપવાના ઑર્ડર સાથે ગઈ હતી. જોકે એ સમયે નદીમ કે તેનાં બાળકો ઘરે નહોતાં. બાળકો સ્કૂલમાં તો નથી ગયાંને એ જોવા માટે અમરીન એમ. એચ. સ્કૂલમાં પહોંચી હતી ત્યારે તેનો પતિ નદીમ પણ પહોંચ્યો હતો. બાદમાં બન્ને વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હતી ત્યારે નદીમે તેની પાસેના ચાકુથી પહેલાં અમરીનના પેટમાં ઉપરાઉપરી ઘા માર્યા હતા અને બાદમાં તેનું ગળું ચીરી નાખ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીના વરીષ્ઠ નેતા ડૉ. સુરેશ યેવલેએ પોલીસ પર આરોપ કર્યો હતો કે ‘અમરીન ખાનને પતિ હુમલો કરવાની શંકા હતી એટલે તેણે નયાનગર પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ-પ્રોટેક્શન લેવાનો પ્રયાસ કર્યો હતો. તેણે આ માટે ૭૦૦૦ રૂપિયા પણ ભર્યા હતા. જોકે પોલીસે તેને ચાર દિવસ સુધી ધક્કા ખવડાવ્યા હતા એમાં તેનો જીવ ગયો હતો. આ બાબતે મેં વરિષ્ઠ પોલીસ-અધિકારીઓને રજૂઆત કરી છે.’
મીરા-ભાઈંદર-વસઈ-વિરાર પોલીસના ડેપ્યુટી કમશિનર (ઝોન-૧) પ્રકાશ ગાયકવાડે આ ઘટનાની માહિતી આપતાં કહ્યું હતું કે ‘કૌટુંબિક વિવાદમાં અમરીન ખાન નામની મહિલાની હત્યા તેના પતિ નદીમે કરી હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવ્યું છે. અમરીનને પોલીસ-પ્રોટેક્શન આપવામાં મોડું કરવામાં આવ્યું હોવાનો આરોપ ખોટો છે. આમ છતાં આ મામલે તપાસ કરવામાં આવશે. નદીમ ખાનની હત્યા કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.’