સુનીલ તટકરે જેમાં મુંબઈ આવવાના હતા એ હેલિકૉપ્ટર પુણેમાં ટેક-ઑફ પછી તૂટી પડ્યું

03 October, 2024 07:20 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

બે પાઇલટ અને એક એન્જિનિયરે જીવ ગુમાવ્યા

અકસ્માત અને સુનીલ તટકરે

પુણેમાં ગઈ કાલે સવારે મુંબઈ આવવા માટે ટેક-ઑફ કરનારું દિલ્હીની હેરિટેજ એવિયેશન નામની કંપનીનું પ્રાઇવેટ હેલિકૉપ્ટર ગણતરીની મિનિટમાં જ તૂટી પડ્યું હતું. તૂટી પડ્યા બાદ હેલિકૉપ્ટરમાં આગ લાગતાં બે પાઇલટ અને એક એન્જિનિયરનાં મૃત્યુ થયાં હતાં. પુણેમાં ઑક્સફર્ડ કાઉન્ટી ગૉલ્ફ કોર્સના હેલિપૅડથી હેલિકૉપ્ટરે સવારે ૭.૪૦ વાગ્યે ઉડાન ભરી હતી. ટેક-ઑફ કર્યાની અમુક મિનિટમાં જ અહીંના બાવધન વિસ્તારના પહાડી ‌ભાગમાં એ તૂટી પડ્યું હતું. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ આ હેલિકૉપ્ટર ભાડેથી લીધું હતું. NCPના પ્રદેશાધ્યક્ષ અને સંસદસભ્ય સુનીલ તટકરે આ હેલિકૉપ્ટરમાં ગઈ કાલે જ મુંબઈ આવવાના હતા. જોકે એ પહેલાં જ હેલિકૉપ્ટર તૂટી પડ્યું હતું.

પિંપરી ચિંચવડના પોલિસ કમિશનર વિનયકુમાર ચૌબેએ કહ્યું હતું કે ‘તૂટી પડેલું હ‌ેલિકૉપ્ટર હેરિટેજ એવિયેશન કંપનીનું હતું. આ દુર્ઘટનામાં હેલિકૉપ્ટરના પાઇલટ ગિરીશ કુમાર અને પ્રીતમ સિંહ ભારદ્વાજ તેમ જ પરમજિત સિંહ નામના એન્જિનિયરે જીવ ગુમાવ્યા હોવાનું પ્રાથમિક માહિતીમાં જણાયું છે. સવારના સમયે ધુમ્મસ હોવાને કારણે આ ઘટના બની હોવાની શક્યતા છે.’
રાયગડના સંસદસભ્ય સુનીલ તટકરેએ કહ્યું હતું કે ‘આ ઘટનાથી ખૂબ આઘાત લાગ્યો છે. આ હેલિકૉપ્ટર અમારી પાર્ટીએ ભાડા પર લીધું હતું. મંગળવારે મેં પુણેથ‌ી બીડ જિલ્લાના પરલીનો પ્રવાસ કર્યો હતો. આજે હું આ હેલિકૉપ્ટરમાં રાયગડથી મુંબઈ આવવાનો હતો.’

mumbai news mumbai pune pune news nationalist congress party